જિલ્લાના 24 ટાપુઓમાંથી બે ટાપુઓમાં માનવ વસ્તીનો વસવાટ: અન્ય ટાપુઓ ઉપર જવા કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસને દ્વારકા આસપાસ આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્રણ બાજુંથી સમુદ્રથી ઘેરાયેલા દ્વારકા જિલ્લા આસપાસ 24 ટાપુઓ આવેલા છે. 24 ટાપુમાંથી માત્ર બે ટાપુઓ પર માનવવસ્તી વસવાટ કરે છે. જ્યારે 1 ટાપુ પર્યટન સ્થળ છે, બાકીના 21 ટાપુઓ નિર્જન છે.
- Advertisement -
આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા છે, માટે વારે-તહેવારે લોકો ત્યાં જતા હોય છે.
જો કે બાકીના દિવસોમાં આ ટાપુઓ નિર્જન રહેતા હોવાથી દેશ વિરોધી પ્રવૃતિ કરનારા તત્ત્વો આ ટાપુઓનો ઉપયોગ કરી શકે છે, એવી આશંકાએ આ 21 નિર્જન ટાપુઓ પર 29/01/2025 સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે . આ માટે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ 21 ટાપુઓ પર પ્રતિબંધ લગાવાયો છે. જેની વિગત જોતા (1)ધાની ઉર્ફે ડની ટાપુ,(2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (6) ગડુ (ગારૂ) ટાપુ, (7) સાનબેલી (શિયાળી)ટાપુ, (8) ખીમરોઘાટ ટાપુ, (9) આશાબાપીર ટાપુ, (10) ભૈદર ટાપુ, (11) ચાંક ટાપુ, (12) ધબધબો(દબદબો) ટાપુ, (13) દીવડી ટાપુ, (14) સામીયાણી ટાપુ, (15) નોરૂ ટાપુ, (16) માન મરૂડી ટાપુ, (17) લેફા મરૂડી ટાપુ, (18) લંધા મરૂડી ટાપુ, (19) કોઠાનું જંગલ ટાપુ, (20) ખારા મીઠા ચુષ્ણા ટાપુ, (21) કુડચલી ટાપુનો સમાવેશ થાય છે.