10 દી’ પહેલા પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ અધિકારીએ કરી હતી
એડવાન્સ પ્લાનિંગ કરી બે ટ્રક માટી મંગાવી, ખાડો પુરાવ્યો; પત્નીના મોબાઇલમાં ‘ડ્રાફ્ટ મેસેજ’થી પતિનો ભાંડો ફોડ્યો : ભાવનગરમાં ચકચાર
- Advertisement -
ફોરેસ્ટ અધિકારીનો પરિવાર મૂળ સુરત ખાતે સંયુક્ત રીતે રહે છે: 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પૃથા રબારી
અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા
પરિવાર CCTVમાં દેખાયો કહી પોલીસને ગુમરાહ કરી
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ જ પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરીને પોતાના ક્વાર્ટરના પાછળના ભાગમાં ખાડો ખોદી દાટી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય 5 નવેમ્બરના રોજ ગુમ થયા હતા, પરંતુ 16 નવેમ્બરના રોજ તેમના ઘરથી માત્ર 20 ફૂટ દૂર ખાડામાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા.
ભરતનગર પોલીસે આ મામલે શૈલેષ ખાંભલા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરના રોજ પત્ની અને બાળકો ગુમ થયાની પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતા કેસમાં મોટો વળાંક આવ્યો હતો. પોલીસે પત્ની નયનાબેનનો મોબાઈલ ચેક કર્યો, જે ફ્લાઇટ મોડમાં હતો. આ મોબાઇલમાં કોઈ પરિવારજનને મોકલવા માટેનો એક ડ્રાફ્ટ મેસેજ પડેલો હતો. પોલીસે જ્યારે આ ડ્રાફ્ટ મેસેજમાં લખેલી ભાષાને નયનાબેન દ્વારા ભૂતકાળમાં મોકલેલા અન્ય મેસેજની ભાષા સાથે સરખાવી, ત્યારે તે મિસમેચ થઈ હતી. આ તફાવતના આધારે પોલીસની શંકા સીધી પતિ શૈલેષ ખાંભલા પર ગઈ હતી અને પોલીસે પૂછપરછનો દોર સઘન બનાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી શૈલેષ ખાંભલાએ હત્યાનું પૂર્વ આયોજન કર્યું હતું.
તેણે 2 નવેમ્બરના રોજ જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે પોતાના ક્વાર્ટર પાસે ખાડો ખોદી રાખવા માટે જણાવ્યું હતું. આરએફઓ ગિરીશભાઈ વાણિયાએ તેમના કહેવાથી જેસીબીથી એક 6.5 ફૂટ અને બીજો 5.5 ફૂટનો ખાડો તૈયાર કરાવી આપ્યો હતો. એટલું જ નહીં, શૈલેષ ખાંભલાએ હત્યા બાદ 6 નવેમ્બરના રોજ ખાડાને પૂરવા માટે બે ટ્રક જેટલી માટી પણ મંગાવી રાખી હતી.
5-6 નવેમ્બરના રોજ પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ તેણે ત્રણેય મૃતદેહોને પોતાના ઘરની પાછળ દાટી દીધા હતા. જ્યારે ખાડો બૂરતી વખતે સ્ટાફે પૂછ્યું, ત્યારે તેણે ગેરમાર્ગે દોરવા જણાવ્યું હતું કે ખાડામાં ગઈકાલ રાત્રે એક રોઝડું (નીલગાય) પડી ગયું હોવાથી તેને કાઢવા માટે ગાદલું નાખી દીધું છે અને હવે ખાડો પૂરી દેવો છે.
પોલીસ હાલ સમગ્ર મામલે આરોપી શૈલેષ ખાંભલાની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી રહી છે.



