‘શૌર્યનું સિંદૂર લોકમેળા’નો આજ સાંજથી ભવ્ય પ્રારંભ: રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફ્ટના 200થી વધુ સ્ટોલ, 50 જેટલા નાના મોટા ફજત-ફાળકા મેળાનું આકર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વર્ષોની પરંપરા મુજબ, આજે રાંધણ છઠથી ભાતીગળ ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો આજથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મેળાને મહાલવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એકતરફ જન્માષ્ટમી પર્વની રજાઓનું મિનિ વેકેશન શરૂ થયું છે, ત્યારે રાજકોટમાં લોકમેળાનો આરંભ થઈ રહ્યો છે. આ મેળામાં લોકોના આનંદ માટે રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફટના 200થી વધુ સ્ટોલ બનાવાયેલા છે. ચકડોળ વિના મેળાની મોજ અધૂરી ગણાય છે ત્યારે 50 જેટલા નાના મોટા ફજર-ફાળકામાં લોકો પરિવારના સભ્યો સાથે મળીને આનંદ માણી શકશે.
મહત્વનું છે કે, રેસકોર્સના મેદાનની આશરે 70 હજાર ચોરસ મીટર જગ્યામાંથી 23 હજાર ચોરસ મીટર વિસ્તારનો જ ઉપયોગ કરી, બાકી 46 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી રાખવામાં આવી છે. ફ્રી મૂવમેન્ટ માટે પહોળા રસ્તાઓ તથા રાઈડ્સ વચ્ચે જગ્યા રાખવામાં આવી છે. જેના કારણે લોકો વધુ સરળતાથી મેળામાં મહાલી શકશે. મેળામાં ચાર મુખ્ય કંટ્રોલરૂમ તથા પાંચ એન્ટ્રી તથા એક્ઝીટ રાખવામાં આવી છે.
લોકોની સલામતી અને સુરક્ષા માટે ત્રણ ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. મળીને 1266 પોલીસ કર્મચારીઓ ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત અલગ-અલગ જગ્યાએ વોચ ટાવર રાખવામાં આવ્યા છે. જેમાં પાંચ વોચ ટાવર નજીકમાં ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત રાખવામાં આવી છે, જેમાં ગઉછઋ, જઉછઋ, હેલ્થ, પોલીસ અને ફાયર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે એ.આઈ. આધારિત ડ્રોનથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. લોકમેળામાં રૂપિયા આઠ કરોડનો લાયેબિલિટી ઈન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. મેળામાં લોકોના મનોરંજન માટે પાંચેય દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટમાં એક લોકમેળો અને ત્રણ ખાનગી મેળા
રાજકોટના લોકમેળા સહિત ખાનગી મેળામાં દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે. આજે રાંધણ છઠથી ભાતીગળ લોકમેળા સહિત ખાનગી મેળા શરૂ થશે. દર વર્ષે રાજકોટમાં 5 ખાનગી મેળા થાય છે પરંતુ એસઓપીના લીધે આ વખતે 3 ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીતલ પાર્ક, નાના મવા ચોક અને રેસકોર્સના બાલભવનમાં આ ત્રણ જગ્યાએ ખાનગી મેળા થશે જ્યારે રેસકોર્સના મુખ્ય મેદાનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો શૌર્યનું સિંદૂરનું આયોજન કરાયું છે.
રાજકોટના લોકમેળામાં આ વ્યવસ્થા…
સહેલાણીઓ માટે 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ
16 -વોચ ટાવર
કંટ્રોલરૂમ-04
એક ઇમરજન્સી રૂટ-1
1640 પોલીસ જવાન તૈનાત રહેશે
100 સફાઈ કામદાર
400 રેવન્યુ કર્મચારીઓ
18-એનડીઆરએફના જવાન
22 -SDRFના જવાન
4 એમ્બ્યુલન્સ
રૂ.8 કરોડનું વીમા કવચ