મુંબઈ અને ગુજરાતભરના બાળસાહિત્ય રસિકો આવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
બાળ સાહિત્ય અકાદમીનું 24મું અધિવેશન રંગેચંગે ઉજવાયું છે. રાષ્ટ્રમાતા કસ્તુરબા ગાંધીનું પુણ્યસ્મરણ કરાવતી 22મી ફેબ્રુઆરી 2025 ને શનિવારે અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ સભાખંડમાં બાળ સાહિત્ય અકાદમીનું 24મું અધિવેશન યોજાઈ ગયું. જેમાં ભાગ લેવા માટે ગુજરાતભરથી અને મુંબઈથી બાળસાહિત્ય રસિકો આવ્યા હતા. આ અધિવેશનના અધ્યક્ષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ જાણીતા વિદ્વાન ડો. ભાગ્યેશ જહાએ સુંદર ઉદ્બોધન કર્યું હતું. પ્રારંભે ડો. ભારતીબેન બોરડે બાળગીત પ્રસ્તુત કર્યું હતું.
- Advertisement -
અધિવેશનમાં આ વર્ષે દિવંગત થયેલ બાળસાહિત્યકારોને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રી યશવંત મહેતા સંચાલિત પહેલી બેઠકમાં શતાબ્દી વંદનામાં દિવંગત બાળસાહિત્યકારો ધનંજય શાહ વિશે શ્રી યશવંત મહેતાએ અને વસંતલાલ પરમાર વિશે ડો. શ્રદ્ધાબેન ત્રિવેદીએ પ્રસ્તુતિ કરતા તેમના સાહિત્યસૃજનને યાદ કરેલ. બાળસાહિત્ય પર પીએચ.ડી કરનાર ડો. શકુંતલા ચાવડાને તથા બાળસાહિત્ય અકાદમીના 30 વર્ષના ઈતિહાસને પુસ્તકસ્થ કરનાર ડો. રવીન્દ્ર અંધારિયાને રજતચંદ્રક આપીને સન્માનવામાં આવ્યા હતા.
આ પુસ્તક ’બાળસાહિત્ય અકાદમીની વિકાસગાથા’ નું વિમોચન પ્રસંગ અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યો હતો. ભોજન વિરામ બાદ બીજી બેઠકના પ્રારંભે જામનગરથી આવેલ કિરીટભાઈ ગોસ્વામી તથા તેમની ટીમે સંગીતસભર બાળગીતો દ્વારા સૌને આનંદ આપ્યો હતો. તે પછી નટવરભાઈ પટેલના સંચાલનમાં 13 વક્તાઓએ ’બાળસાહિત્ય અને હું’ વિષયને ન્યાય આપતાં પોતાના સંસ્મરણો તથા અનુભવો રજૂ કર્યા હતા. આભારદર્શન બાદ સૌ છૂટા પડ્યા હતા.