થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા, પહેલા જ દિવસે 300 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા
ભારતીયોના ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન વાળા દેશ થઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. આ અંગે દેશમાં એક કાયદો પણ બનાવવામાં આવ્યો છે, જે આજથી એટલે કે ગુરુવાર (23 જાન્યુઆરી, 2025) થી અમલમાં આવ્યો છે. આ સાથે જ થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ અને સમગ્ર એશિયામાં ત્રીજો દેશ બન્યો છે જેણે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ એશિયામાં નેપાળ અને તાઈવાન સમલૈંગિક લગ્નને માન્યતા આપી ચૂક્યા છે અને હવે થાઈલેન્ડમાં પણ ‘મેરેજ ઈક્વાલિટી એક્ટ’ને કાયદાકીય માન્યતા મળી ચૂકી છે.
- Advertisement -
થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા
દેશમાં આજથી સમલૈંગિક લગ્ન અમલમાં આવી ગયા છે અને કાયદાના અમલીકરણના પહેલા જ દિવસે 300 LGBTQ+ નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. થાઈલેન્ડમાં આજથી LGBTQ+ સમુદાયના લોકોને સમલૈંગિક લગ્ન કરવાનો કાનૂની દરજ્જો મળી ગયો છે.
પહેલા જ દિવસે 300 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા
- Advertisement -
થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક શોપિંગ મોલમાં આજે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 300 યુગલોએ સમલૈંગિક લગ્ન માટે પોતાની ઔપચારિકતાઓ પૂર્ણ કરી. લગ્ન બાદ યુગલોને તમામ અધિકારો આપવામાં આવશે. થાઈલેન્ડની સંસદના બંને ગૃહ દ્વારા મેરેજ ઈક્વાલિટી એક્ટ પસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત થાઈલેન્ડની સંસદે સિવિલ અને કોમર્શિયલ કોડમાં સુધારો પણ કર્યો છે.
કાયદા હેઠળ પાર્ટનરને મળશે તમામ અધિકાર
થાઈલેન્ડની સંસદે સિવિલ અને કોમર્શિયલ કોડમાં ‘પતિ અને પત્ની’ના સ્થાને ‘ઈન્ડિવિજ્યુઅલ અને મેરેજ પાર્ટનર’ કરી દીધું છે. કાયદામાં સુધારો કરીને LGBTQ+ યુગલોને એ તમામ અધિકારો આપવામાં આવ્યા છે, જે સામાન્ય લગ્નમાં પતિ-પત્નીને આપવામાં આવે છે. આમાં સમલૈંગિક યુગલોને સમાન કાનૂની, નાણાકીય અને મેડિકલમાં તમામ અધિકારો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સંપત્તિમાં જોઈન્ટ એક્સેસનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
સમલૈંગિક લગ્ન ક્યાં માન્ય છે અને ક્યાં તેના પર પ્રતિબંધ છે?
આજે અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ સહિત વિશ્વના 31 દેશોમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. ઘણા દેશો એવા છે જ્યાં સમલૈંગિક લગ્ન પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તેમાં યમન, ઈરાન, બ્રુનેઈ, નાઈજીરીયા, કતાર સહિત વિશ્વના 13 દેશો સામેલ છે. અહીં સુધી કે આ દેશોમાં સમલૈંગિક લગ્ન કરનારાઓ માટે સજાની પણ જોગવાઈ છે. આ માટે મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. બીજી તરફ ભારતની સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે.
આ દેશોમાં સમલૈંગિક લગ્ન ગુનો નથી પરંતુ તેને કાયદાકીય માન્યતા પણ નથી
દુનિયામાં કેટલાક દેશો એવા છે જ્યાં સમલૈંગિક લગ્નને ગુનો માનવામાં નથી આવતો, પરંતુ તેને કાયદાકીય માન્યતા પણ આપવામાં નથી આવી. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, બ્રિટન અને શ્રીલંકા સામેલ છે.




