ધવલ કુલકર્ણીના પુસ્તક ‘ઠાકરે ભાઉ’માં મહારાષ્ટ્રના રાજકારણમાં અનિવાર્ય બની ગયેલાં ઠાકરે પરિવારનાં ખટરાગની ઝિણવટભરી દાસ્તાન છે!
શાહનામા
– નરેશ શાહ
આંગળીથી નખ વેગળા-આ મહાવરો લાગુ પડે ત્યાં નેચરલી મધપુડા જેવું આકર્ષણ જાગે જ. ઠાકરે ફેમિલિને તમે આ કેટેગરીમાં મૂકી શકો. આજકાલ આમ પણ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સતત શંકા અને ચર્ચાના દાયરામાં જીવી રહી છે. જો કે ચર્ચા, વિવાદ, આક્ષેપો અને બોલ્ડનેશના ડીએનએન ઠાકરે પરિવારની સ્પેશ્યાલિટી રહી છે અને તેનો આરંભ બાલાસાહેબ ઠાકરેથી થયેલો છે. શિવસેનાની કદાચ આ ગળથૂથી રહી છે. કાર્ટુનિસ્ટ માટે રાજકીય પાર્ટીના કરાફાટ નેતા બનેલા બાલ ઠાકરે પોતાના સ્ટેટમેન્ટથી અને ક્યારેક આચરણથી સતત કોન્ટ્રોવર્સી સર્જતા રહ્યા છે. ભત્રીજા રાજ ઠાકરે અને પુત્ર ઉદ્ધવ ઠાકરેની શિવસેના માંહેની અંદરની હુંસાતુંસી અને ખટરાગ વચ્ચે બાલાસાહેબ ઠાકરે બે વખત ‘શિવસેના’માંથી મુક્ત થયાની જાહેરાત કરી ચૂક્યા છે અને બીજા દિવસે શિવ સૈનિકોની લાગણી-માંગણીને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય પાછો પણ ખેંચી ચૂક્યા છે. બાબરી ઢાંચો શિવ સૈનિકોએ તોડ્યાથી માંડીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે- એવા અનેક સ્ટેટમેન્ટ બાલાસાહેબ ઠાકરેના નામે ચડેલા છે પણ….
ઉદ્ધવ ઠાકરે અત્યારે મહારાષ્ટ્રમાં જે રીતે કફોડી હાલતમાં સરકાર ચલાવી રહ્યા છે, એવી જ ખરાબ સ્થિતિમાં શિવસેના અને બાલ ઠાકરે 2001થી 2007 વચ્ચે પણ મુકાયા હતા. એ અરસામાં જ બાયપાસ સર્જરી કરાવ્યાં પછી ઓછા એક્ટિવ થઈ ગયેલાં બાલ ઠાકરે પુત્ર અને ભત્રીજા વચ્ચેના ખટરાગના કારણે ખૂબ જ પરેશાન રહેતા હતા. એ તો જાણીતી વાત છે કે બાલા સાહેબના નાના ભાઈ સંગીતકાર શ્રીકાંત ઠાકરેના પુત્ર રાજ ઠાકરે કાકાની અત્યંત કરીબ હતા. લગભગ લોકો રાજ ઠાકરેને જ બાલા સાહેબના પોલિટિકલ વારસદાર તરીકે જોતા હતાં. રાજે પણ કાકાના નકશેકદમ પર જ કાર્ટુનિસ્ટ અને આક્રમક નેતા-વક્તા તરીકે પોતાને કંડાર્યા હતા પણ પછી….
- Advertisement -
રાજ ઠાકરેને વેગળા નખ તરીકે કોર્નર કરીને બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાનું સુકાન પુત્ર ઉદ્ધવ ઠાકરેને સોંપી દીધું! ઉદ્ધવ ઠાકરે તો ફોટોગ્રાફર અને લો પ્રોફાઈલ પુત્ર તરીકે જાણીતા હતા પણ પુત્રપ્રેમે તેને શિવસેના-સુપ્રિમોનો હોદ્દો અપાવ્યો, એ જાણીતી વાત ખરેખર તો અર્ધસત્ય છે અને એનો ખુલાસો તમને ધવલ કુલકર્ણીએ લખેલાં પુસ્તક ‘ઠાકરે ભાઉ’માંથી મળે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ ઈન્ડિયન એક્સપ્રેસ જેવા પ્રકાશનોમાં બે દશકા સુધી પત્રકારત્વ કરી ચૂકેલાં ધવલ કુલકર્ણીએ ખૂબ બધા ઈન્ટવ્યુ, અભ્યાસ અને સંદર્ભો લઈને લખેલાં ‘ઠાકરે ભાઉ’ પુસ્તકમાં ઠાકરે પરિવારના ભૂતકાળની પણ તમામ વિગતો છે તો કઝિન-વોરની પણ બારિક છણાવટ છે. બાલ ઠાકરેના પિતા કેશવ સીતારામ ઠાકરે ‘પ્રબોધન’ નામનું સાપ્તાહિક ચલાવતાં હોવાથી ‘પ્રબોધનકાર ઠાકરે’થી વધુ ખ્યાત વકીલ હતાથી લઈને રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે એ મોહમ્મદ રફી પાસે સૌથી પહેલું મરાઠી ગવડાવ્યું હતું-ની વિગત ઉપરાંત બાલ ઠાકરેના ત્રણેય પુત્રો જયદેવ, બિંદુમાધવ અને ઉદ્ધવ ઠાકરેની વાતો પણ છે. જો કે સૌથી ઈન્ટરેસ્ટીંગ વાતો તો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના ખટરાગની છે.
જો દીખતા હૈ, વો બિકતા હૈ-ના ન્યાયે જાહેરમાં કાકા સાથે રાજ ઠાકરે જોવા મળતાં એટલે તેમને જ બાલ ઠાકરેના વારસદાર તરીકે જોવામાં આવતાં હતાં. એમાં મીનમેખ નથી કે ઉદ્ધવ કરતાં રાજ ઠાકરે રાજકીય નેતા તરીકે વધુ યોગ્ય હતા અને છે પણ ખરા, છતાં સચ્ચાઈ એ છે કે,
બાલા સાહેબની બાયપાસ સર્જરી પછી ‘શિવસેના’માં ઉદ્ધવ ઠાકરે ‘માતોશ્રી’માં રહીને વધુ કામ કરતા હતાં. બેશક, એ જાહેરમાં ઓછું દેખાતા હતાં છતાં લોકસભા-વિધાનસભાના ચૂંટણી પ્રચારની અનેક સભા પણ ઉદ્ધવ સંબોધવા જતા હતા. જો કે રાજ ઠાકરે કદાચ, ઓવર કોન્ફિડન્સમાં હતા એટલા ‘મુખ્યમંત્રી થઈ શકું છું’ તેઓ એકથી વધુ વખત જાહેરમાં બોલી ગયા હતા. કડવાશની શરૂઆત એ પછીથી થઈ હતી. ઉદ્ધવ ઠાકરે ધીમે ધીમે પોતાના માણસોને મહત્ત્વ આપવા લાગ્યા હતા તેથી છંછેડાઈને સૌથી પહેલાં નારાયણ રાણેએ શિવસેના છોડી હતી. એ જ અરસામાં રમેશ કિણીના મર્ડર કેસમાં રાજ ઠાકરે હડફેટે ચડી ગયા એટલે નાછૂટકે તેઓ લો-પ્રોફાઈલ રહેવા લાગ્યા. એ વખતે રાજને લાગ્યું કે- શિવસેના કે બાલા સાહેબ મને રમેશ કિણી કેસમાંથી બહાર કાઢી શકતા હતા પણ….
- Advertisement -
આખરે 2006માં રાજ ઠાકરેએ શિવસેના સાથે છેડો ફાડી નાખીને ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (મનસે) શરૂ કરી. બાલા સાહેબ ઠાકરેનું નિધન તો તેના છ વર્ષ પછી, 2012માં થયું. એ અરસા દરમિયાન તેમણે અને ત્યાર બાદ પણ અનેકે રાજ-ઉદ્ધવને ભેગા કરવાના પ્રયાસો કર્યા પણ એ ઠાકરે લોગ હૈ! ઠાકરે હૈ કી માનતે નહીં!