કેન્દ્રશાસિત પ્રદેસ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા મહિનાઓથી આતંકવાદી પ્રવૃતિઓમાં વધારો નોંધાયો છે, આતંકવાદી હુમલામાં સેનાના જવાનો ઉપરાંત નાગરીકોના પણ મોત થયા છે. ગઈ કાલે સોમવારે ઉધમપુર આતંકવાદીઓ સાથે અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા.
મળતી માહિતી મુજબ જ્યારે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ડુડુ વિસ્તારમાં છુપાઈને મારીને બેઠેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો હતો. આતંકવાદીઓના ગોળીબાર બાદ સુરક્ષાદળોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ડુડુ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
- Advertisement -
એન્કાઉન્ટર અંગે ઉધમપુરના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ખૂબ જ દુઃખદ છે પરંતુ તે અમારી ફરજનો એક ભાગ છે. આ એક જંગલ વિસ્તાર છે, અહીં રસ્તાઓ અને નેટવર્કની સમસ્યા છે. અહીં અમે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ પર થયેલા હુમલામાં CRPF ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા.”
અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ઉધમપુરના ડુડુ વિસ્તારમાં પહેલેથી જ ઘૂસી ગયેલા આતંકવાદીઓએ ઓચિંતા જ સંયુક્ત ટીમ પર હુમલો કર્યો. આ હુમલામાં સીઆરપીએફના અધિકારીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમણે કહ્યું કે ઘટનાસ્થળે વધુ સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.