ડ્રોન-પ્રાઇવેટ હેલીકોપ્ટર ઉડાવવા પર રોક
13 નવેમ્બરથી આગામી 30 દિવસ માટે શહેરોમાં કોઇ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઇટ એરક્રાફટ અને પેરાગ્લાઇડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી આગામી 30 દિવસ માટે શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે. 13 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી મુંબઈમાં ડ્રોન, રિમોટથી નિયંત્રિત એરક્રાફટ, પેરાગ્લાઈડર, ખાનગી હેલિકોપ્ટર અને ગરમ હવાના બલુન ઉડાવવા પર રોક રહેશે. અત્રે જણાવવાનું કે મુંબઈ પોલીસે આવો આદેશ એટલા માટે આપ્યો છે જેથી કરીને આતંકવાદી ગતિવિધિઓ માટે આ ચીજોના સંભવિત ઉપયોગને અટકાવી શકાય. આ આદેશ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાની વરસીને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યો છે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. મુંબઈ પોલીસે સીઆરપીસીની કલમ 144 હેઠળ આ આદેશ બહાર પાડ્યો. પોલીસનું કહેવું છે કે તેનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને આઈપીસીની કલમ 188 હેઠળ સજા થશે.
મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ એવી શક્યતા છે કે આતંકીઓ સંભવિત હુમલાઓ માટે ડ્રોન, રિમોટથી નિયંત્રિત થનારા એરક્રાફટ, પેરાગ્લાઈડરનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારે તેઓ વીવીઆઈપીઓને નિશાન બનાવી શકે છે અને મોટા પાયે લોકોના જીવને જોખમમાં નાખી શકે છે, જાહેર સંપત્તિને નષ્ટ કરી શકે છે અને કાયદા વ્યવસ્થામાં ગડબડી કરી શકે છે. આતંકી હુમલાના અલર્ટને ધ્યાનમાં રાખીને રાખીને મુંબઈ પોલીસના આદેશમાં કહેવાયું છે કે આ ઉડનારી ચીજોના ઉપયોગથી કોઈ પણ સંભવિત હુમલાને રોકવાના હેતુસર બૃહદ મુંબઈ પોલીસ કમિશ્નરેના અધિકાર ક્ષેત્રમાં આવા તત્વોની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે.