રાજકોટમાં દિન-પ્રતિદિન આસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસનો ખૌફ ઓસર્યો
મોડી રાત્રે પથ્થર અને બોટલો ઘરમાં ફેંકીને ભય ફેલાવી રહ્યા છે, પોલીસને રજૂઆત છતા કોઈ કાર્યવાહી નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરમાં લુખ્ખા તત્વોના આતંકથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગઈ છે. આવા તત્વોને જાણે પોલીસનો કોઈને ડર જ નથી. તેવી રીતે લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા છે.
માધાપર ચોકડી પાસે આવેલા મનહરપુર-1માં રાત્રે પથ્થર અને બોટલોના ઘા કરતા મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ છવાયો છે. બે દિવસ પહેલા કોઈ બાબતે પોલીસ ફરિયાદ કરતા લુખ્ખા તત્વોએ મોડી રાતે આતંક મચાવી લોકોને ભયભીત કર્યા હતા. ત્યારે આજે મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી રોષ ઠાલવ્યો હતો. જ્યારે એક મહિલાએ એવું જણાવ્યું હતું કે, અમે અહીં ભયના માહોલમાં જીવી રહ્યા છે. અમારા ઘરમાં પુરૂષ ન હોવાથી દીકરાઓ પણ ડરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતા કોઈ કડક કાર્યવાહી કરતા નથી. રાત્રે ઘર પાસે આવીને પથ્થર તથા સોડાની બોટલોના ઘા કરી જાય છે.