બાઇક પર આવીને સોડા બોટલના ઘા કર્યાં, અનેક વાહનોમાં તોડફોડ કરી
ગુજસીટોકમાંથી છૂટેલાં ભીસ્તીવાડના શખ્સની લુખ્ખાગીરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં રીઢા ગુનેગારોનો આંતક ફરી પ્રકાશમાં આવ્યો છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં કેટલાક લુખ્ખાઓએ નામચીન ગુંડા સાથે મળી વાહનોમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. બનાવની વિગત મુજબ ભીસ્તીવાડના ગુજસીટોક ગુનાના મુખ્ય આરોપી અને તેના મળતીયાઓએ રીતસર આતંક મચાવી કાયદો હાથમાં લીધો હતો. ટૂંકસમય પહેલા જ ગુજસીટોક ગુનામાં જામીન પર છૂટેલા એક કુખ્યાત ગુંડા અને તેના આઠેક મળતીયાઓએ બાઈક પર આવીને સોડાબોટલના ઘા કર્યા હતા, અનેક વાહનોને ટાર્ગેટ કરી તોડફોડ કરી હતી. શહેરના બજરંગવાડી સર્કલથી રાજદીપચોક સુધી રોડ પર થયેલી આ સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે.
એટલું જ નહીં આ બનાવ બાદ ભીસ્તીવાડ ગુંડા અને તેમના મળતીયાઓએ ગાળો લખીને સ્ટેટ્સ મૂક્યા હતા, જેમા તેમણે જ આ આતંક મચાવ્યાની કબૂલાત આપી હતી. એવું કહેવાય રહ્યું છે કે, ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા કુખ્યાત આરોપીએ તેમની સાથે સમાધાન ન કરનાર ફરિયાદીને ટાર્ગેટ કરી ડરાવવા-ધમકાવવા આ કૃત્ય આચર્યું છે. ઘટનાનાં વિડીયો વાઇરલ કર્યા, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ‘પરાક્રમ’ કર્યાનું કબૂલ્યું !