41.5 ડિગ્રી સાથે રાજકોટમાં ચાલુ સિઝનનો સૌથી ‘હોટ’ દિવસ નોંધાયો : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ આખુ સપ્તાહ કાળઝાળ ગરમી રહેશે : હવામાન વિભાગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ગઇકાલે ચાલુ ઉનાળુ સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાવા સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. ગઇકાલે 18 શહેરોમાં 39 થી 42 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાયુ હતું. જે પૈકી 11 શહેરોમાં તો મહતમ તાપમાન 40 થી 42 ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ગઇકાલે ચાલુ સિઝનનું હાઇએસ્ટ 41.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધાતા નગરજનો શેકાઇ ગયા હતા. તેમજ રાજયમાં સૌથી ગરમ શહેર સૌરાષ્ટ્રનું અમરેલી રહેવા પામ્યું હતું.
અમરેલી ખાતે ગઇકાલે 42 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ગઇકાલે અમદાવાદ શહેરમાં 41.9 અને અમદાવાદ એરપોર્ટ ઉપર 42.7 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો.
તેમજ વડોદરા ખાતે 40.2, ભાવનગરમાં 39.5, છોટા ઉદેપુરમાં 40.3, દાદરાનગર હવેલી અને દાહોદમાં 39.5 ડિગ્રી જયારે ડાંગમાં 40.9, ડિસામાં 38.8, ગાંધીનગરમાં 41.5, જુનાગઢમાં 41.5, નર્મદામાં 40.6, પંચમહાલમાં 40.7, પાટણમાં 40.9, સેલાવસમાં 39.5, સુરતમાં 39.5 અને વલસાડમાં 39.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
દરમ્યાન હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આ આકરો તાપ ચાલુ સપ્તાહમાં યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર- ગુજરાતના અનેક સ્થળોએ તાપમાન 42 ડિગ્રી ઉપર પહોંચી જશે.
જયારે આજે સવારે પણ રાજકોટ સહિત રાજયનાં મોટા ભાગના સ્થળોએ 60 થી 84 ટકા જેટલો ભેજ રહેતા સવારથી જ બફારો અનુભવાયો હતો.