ભારતીય ઉંચી કૂદના એથ્લીટ તેજસ્વીન શંકરે પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને કૉમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ ડોનાલ્ડ થૉમસને હરાવીને ન્યુ બેલેન્સ ઈનડોર ગ્રાં પ્રિમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. દિલ્હીમાં જન્મેલા 24 વર્ષીય તેજસ્વીને 2.26 મીટરનો કૂદકો લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા શંકરે પહેલાં ચાર પ્રયાસોમાં 2.14, 2.19, 2.23 અને 2.26 મીટરની કૂદ લગાવી હતી. તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ આઉટડોર કૂદકો 2.29 મીટરનો છે જે રાષ્ટ્રીય રેકોર્ડ છે જ્યારે ઈનડોર મીટરમાં તેની સર્વશ્રેષ્ઠ કૂદ 2.28 મીટર છે.
- Advertisement -
અમેરિકાના ડેરિલ સુલિવાને સીઝનની પોતાની સર્વશ્રેષ્ઠ 2.19 મીટરની કૂદથી ચાર ખેલાડીઓમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. શંકરે પોતાના ગોલ્ડ મેડલનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેયર કરતાં લખ્યું કે નવા વર્ષની શાનદાર શરૂઆત…સીઝનની પહેલી ટૂર્નામેન્ટમાં આ પ્રકારનું પ્રદર્શન કરીને અત્યંત ઉત્સાહિત છું.
ઉલ્લેખનીય છે કે, તેજસ્વીન શંકર શરૂઆતમાં કૉમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય ટીમનો હિસ્સો નહોતો. આ પછી તેણે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને કોર્ટના આદેશ બાદ તેને કૉમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળી હતી. જો કે તે ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થઈ શક્યો નહોતો. આ પછી ટૂર્નામેન્ટમાં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.