ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના ફૂડ વિભાગની ફૂડ સેફટી વાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા છેલ્લા બે મહિનાથી તેના મારફતે થતી ખાદ્ય સામગ્રીની સ્થળ પર તપાસની કામગીરી ઠપ થઈ છે. ટેક્નિકલ ખામીના કારણે ફૂડ સેફટી વાન હાલ માત્ર અવરનેશ કાર્યક્રમોમાં જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં અડચણો આવી રહી છે. પોરબંદર જિલ્લાના ફૂડ વિભાગની કચેરી સેવા સદન-1માં આવેલી છે. ખાદ્ય પદાર્થોની તપાસ માટે વિભાગને ફૂડ સેફટી વાન ફાળવવામાં આવ્યું છે, જે વિવિધ સ્થળોએ જઈ તુરંત જ ખાદ્ય નમૂનાઓનું પરીક્ષણ કરી શકે છે. જોકે, છેલ્લા બે મહિનાથી આ વાનના અમુક સાધનોમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેની કામગીરી ઠપ થઈ ગઈ છે. હાલ આ ફૂડ સેફટી વાન કચેરી બહાર નિષ્ક્રિય પડેલી છે, જેના કારણે પોરબંદરમાં ફરજિયાત ફૂડ સેફટી ચેકિંગની કામગીરી પ્રભાવિત થઈ છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક આ વાનની સમારસંભાળ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
મદદનીશ કમિશનરનું નિવેદન
ફૂડ વિભાગના મદદનીશ કમિશનર એસ.એસ. વ્યાસે જણાવ્યું કે, તાજેતરમાં ફૂડ વિભાગને ફૂડ સેફટી વાન ફાળવવામાં આવ્યું છે. તેના અમુક સાધનોમાં ટેક્નિકલ ખામી છે અને અમુક સાધનો કાર્યરત છે. હાલ આ વાન અવરનેશ કાર્યક્રમોમાં લઈ જવામાં આવી રહ્યું છે.
જાહેર જનતામાં અસંતોષ
આ વાન દ્વારા સ્થળ પર ખાદ્ય પદાર્થોની તાત્કાલિક તપાસ શક્ય બનતી હતી, પરંતુ છેલ્લાં બે માસથી તેની કામગીરી ઠપ હોવાથી પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં મુશ્કેલીઓ આવી રહી છે. ફૂડ વિભાગે તાત્કાલિક આ વાનને ફરીથી કાર્યરત કરવા પગલાં લે તેવી જનતામાં માંગ ઉઠી છે.