પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ: જવાનો દ્વારા 21 બંદૂકોની સલામી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને આજે રાજકોટ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને અમદાવાદથી હવાઈમાર્ગે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેમના પાર્થિવ દેહને સડક માર્ગે ઘરે લઈ જવાયો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ, ત્યારે રાજકોટના પનોતા પુત્ર અને સંવેદનશીલ જનનાયકને લોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.
અમિત શાહ, આચાર્ય દેવવ્રતજી, ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિતના મહાનુભાવોએ સ્વ.વિજયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
- Advertisement -
બાદમાં સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાન “પુજીત” ખાતે રાખવામાં આવ્યો હતો. અહીં અનેક મહાનુભાવો, જૈનાચાર્યો, ધાર્મિક, સામાજિક અગ્રણીઓ, સ્વજનોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાદમાં સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને પૂરા રાજકીય સન્માન અને પોલીસ બેન્ડ સાથે પ્રકાશ સોસાયટીમાં આવેલા ધ્યાનશંકર મહાદેવના મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યો હતો. અહીં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બાદમાં કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદો પરશોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, પૂનમબહેન માડમ, વિનોદ ચાવડા, રાજ્યના વિવિધ ધારાસભ્યઓ, અગ્રણી ડો. ભરત બોઘરા સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ, નગરજનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.