ભારતીય હૉકી ટીમે એફઆઈએચ પ્રો-લીગના બીજા તબક્કાની મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી ત્રણ દિવસની અંદર બીજી વખત ઑસ્ટ્રેલિયાને પરાજિત કર્યું છે. નિયમિત સમય દરમિયાન બન્ને ટીમો 2-2ની બરાબરી પર હતી. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશે શૂટઆઉટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના કારણે ભારત 4-3થી જીત્યું હતું.
બીરસા મુંડા સ્ટેડિયમ પર ચોથી જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર યથાવત રહી છે. ભારત માટે વિવેક સાગર પ્રસાદ (બીજી મિનિટ), સુખજીતસિંહ (47મી મિનિટ)એ નિર્ધારિત સમયમાં ગોલ કર્યા હતા જ્યારે ઑસ્ટ્રેલિયા વતી નાથન એફ્રામ્સ (37મી અને 52મી મિનિટ)એ બન્ને ગોલ કર્યા હતા.
- Advertisement -
શૂટઆઉટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ, સુખજીત અને દિલપ્રીત સિંહે ગોલ કર્યા જેના કારણે ભારતે પોતાના ઘરેલું અભિયાનનો શાનદાર રીતે અંત કર્યો હતો. ભારતે વિશ્વ ચેમ્પિયન જર્મનીને 3-2 અને 6-3થી હરાવ્યું હતું જ્યારે રવિવારે પ્રથમ તબક્કાની મેચમાં ચોથા નંબરની ઑસ્ટ્રેલિયાને 5-4ને પરાજિત કર્યું હતું. ભારતે શાનદાર શરૂઆત કરી અને બીજી મિનિટમાં પેનલ્ટી કૉર્નર હાંસલ કર્યું હતું.
કેપ્ટન હરમનપ્રીતની શક્તિશાળી ડ્રેગ ફ્લિકને ઑસ્ટ્રેલિયાના કીપર જોહાન ડર્સ્ટે પેડથી દૂર કરી દીધી હતી પરંતુ રિબાન્ડ પર વિવેક સાગર પ્રસાદે શાનદાર રીતે ગોલ કરી દીધો હતો.
વિવેક સાગર ભારત માટે પોતાની 100મી મેચ રમી રહ્યો હતો. ગોલરહિત બીજા ક્વાર્ટર બાદ ઑસ્ટ્રેલિયાએ અંતે 37મી મિનિટમાં એક સફળતા હાંસલ કરી જ્યારે નાથન એફ્રામ્સે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં તબદીલ કર્યો હતો. મેચની 47મી મિનિટમાં સુખજીતે ગોલ કરીને ભારતને ફરીથી લીડ અપાવી દીધી હતી. ભારતીય ડિફેન્ડર દ્વારા 52મી મિનિટમાં અજાણતા થઈ ગયેલા ફાઉલે ઑસ્ટ્રેલિયાને એક મહત્ત્વપૂર્ણ પેનલ્ટી કોર્નર આપ્યું હતું જેને તેણે ગોલમાં તબદીલ કર્યું હતું.