ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ: 156માં ઓલઆઉટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પુણે ટેસ્ટની પહેલી ઇનિંગમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ પહેલી ઇનિંગ બાદ 103 રનથી પાછળ છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાએ 16/1ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું અને 140 રનના સ્કોર પર છેલ્લી 9 વિકેટ ગુમાવી દીધી હતી અને 156માં આખી ટીમ તંબુભેગી થઈ ગઈ હતી.
આ લખાઈ રહ્યું છે ત્યારે, હાલમાં ત્રીજું સેશન ચાલુ છે. ન્યૂઝીલેન્ડની ટીમના બીજા દાવમાં 177 રન પર 4 વિકેટ છે. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન ટોમ લાથમ અને ટોમ બ્લંડેલ ક્રિઝ પર છે. કેપ્ટન ટોમ લાથમે ફિફ્ટી ફટકારી છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે તે 84 રન પર અણનમ છે જ્યારે બ્લંડેલ 21 રન પર અણનમ છે. ભારતના બોલરો વિકેટ માટે સતત ઝઝૂમી રહ્યા છે.
ડેરીલ મિચેલ 18 રન બનાવીને આઉટ થયો હતો. તેને વોશિંગ્ટન સુંદરે યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે રચિન રવીન્દ્ર (9 રન), ડેવોન કોનવે (17 રન)ને પણ આઉટ કર્યા હતા. વિલ યંગ (23 રન) અશ્ર્વિનનો શિકાર બન્યો હતો.
ભારતીય ઇનિંગ્સમાં રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે 30-30 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનરે 7 વિકેટ ઝડપી હતી. ગ્લેન ફિલિપ્સને 2 વિકેટ મળી હતી. એક વિકેટ ટિમ સાઉથીના ખાતામાં આવી.
ગુરુવારે ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં 259 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા સિરીઝમાં 0-1થી પાછળ છે.
- Advertisement -
બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ વિકેટ માટે ઝઝૂમ્યા: કિવી કેપ્ટનની ફિફ્ટી: છેલ્લો સ્કોર – ન્યૂઝીલેન્ડ બીજા દાવમાં 177 રન પર 4 વિકેટ