ખાસ-ખબર ન્યૂઝ કાઠમંડુ , તા.8
નેપાળ શિક્ષણ સંઘનાં એલાનને પગલે દેશભરમાં હડતાલ રાખવાનું ’નેપાળ શિક્ષક સંઘે’ એલાન આપ્યું છે. દેશમાં શિક્ષકો નવા શિક્ષણ એક્ટની માંગણી કરી રહ્યા છે. સ્થાનિક મીડીયા રીપોર્ટ જણાવે છે કે, હડતાળનો હેતુ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર પર દબાણ કરવાનો છે.
નેપાળના સ્કૂલ શિક્ષકોનાં મુખ્ય સંગઠન ’નેપાળ ટીચર્સ ફેડરેશને’ શિક્ષકોને પોતાની સ્કૂલો બંધ રાખી કાઠમંડુમાં એકત્રિત થવા એલાન આપ્યું હતું અને તા. 9મીના દિને યોજાનાર દેખાવોમાં સામેલ થવા જણાવ્યું હતું.
આ મહાસંઘે શિક્ષકોને ઉત્તરવાહીનીઓ ન તપાસવા કહી દીધું છે. જેથી પરિણામો જાહેર થઈ શકે તેમ નથી. પરિણામે નવું શૈક્ષણિક સત્ર શરૂૂ થવામાં વિલંબ થવાનો જ છે. મહાસંઘે જણાવ્યું છે કે શિક્ષકોના ચાલી રહેલાં આંદોલનને મજબૂત કરવા માટે 7 એપ્રિલથી જ સ્કૂલોમાં હડતાળ રાખવા જણાવી દીધું છે અને 9મી એપ્રિલે યોજાનારાં વિશાળ આંદોલનમાં ભાગ લેવા જણાવી દીધું છે. હવે 19 એપ્રિલથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર ઉપર પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો છે.
નેપાળનાં શિક્ષણ મંત્રી વિદ્યા ભટ્ટરાયે નેપાળનાં અગ્રીમ વર્તમાનપત્ર ’કાઠમંડુ પોસ્ટ’ને કહ્યું હતું કે સરકારે તેઓને ઘણીવાર મંત્રણા કરવા બોલાવ્યા. મેં વ્યક્તિગત રીતે મહાસંઘના અધ્યક્ષને વાતચીત માટે બોલાવ્યા અને વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ સાથે વાતચીત પણ કરી પરંતુ તેઓ કશું સાંભળવા તૈયાર જ નથી. તેઓ કહે છે કે ચર્ચા કરવાથી શું થશે ? કશું નહીં, વાસ્તવમાં 2જી એપ્રિલથી જ શિક્ષકો કાઠમંડુમાં એકત્રિત થઈ રહ્યા છે. આ એક્ટ અમલી કરશું તેવી સરકારે આપેલી ખાતરીમાં તેઓને વિશ્ર્વાસ નથી કારણ કે નવા શૈક્ષણિક એક્ટનું વિધેયક દોઢ વર્ષથી સંસદમાં વિલંબિત પડેલું છે.