લોકમેળામાં 215 સ્ટોલ અને પ્લોટ સામે 522 ફોર્મ ભરાયા, આઈસક્રીમનાં 6 ચોકઠાં ખાલી રહ્યાં: આવતીકાલે હરાજી
લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો
આઈસ્ક્રીમના 16 સ્ટોલ સામે 10 જ ફોર્મ ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 24થી 28 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે. જેને લઈને સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લા દિવસ હતો. અત્યાર સુધીમાં 215 સ્ટોલ અને પ્લોટ સામે 522 ફોર્મ ભરાયા છે. જોકે, તેમાં ટી કોર્નર સ્ટોલ રાખવા માટે એકપણ વેપારીએ રસ દાખવ્યો નથી. જ્યારે આઈસ્ક્રીમ પાર્લર રાખવામાં પણ નિરસતા દાખવતા 16 સામે 10 જ વેપારીઓએ ફોર્મ ભરાતા આઈસક્રીમનાં 6 ચોકઠાં ખાલી રહ્યા છે. હવે આગામી 3 ઓગસ્ટના સ્ટોલ અને રાઇડસ માટેની હરરાજી કરવામાં આવશે.
ગુરૂવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અત્યાર સુધી ટી કોર્નર માટે એકપણ વેપારીએ ફોર્મ ભર્યું નથી. જ્યારે આઈસ્ક્રીમના 16 સ્ટોલ સામે 10 જ ફોર્મ ભરાયા છે. ઉપરાંત ખાણીપીણીના મોટા 2 સ્ટોલ સામે 4 જ ફોર્મ ભરાતા વહિવટી તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે. જોકે, ત્રીજી વખત તારીખ વધાર્યાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષાને ધ્યાને લઇ આ વખતે લોકમેળાનો વીમો 5 કરોડથી વધારી 7.50 કરોડ એટ્લે કે અઢી કરોડનો વધારો કરવામા આવ્યો છે. જ્યારે 340 જેટલા લોકોએ લોકમેળાનું નામ આપવા માટે એન્ટ્રી મોકલાવી છે.
આ વખતે TRPગેમ ઝોન અગ્નિ કાંડને લઈને રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 310 જેટલાં સ્ટોલ હતા. જ્યારે આ વખતે 215 જેટલા સ્ટોલ છે. લોકમેળામાં રાઇડસ ધારકો માટે કડક નિયમોથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્ટોલ અને પ્લોટમાં ઘટાડો થતાં 12 ટકાથી વધુ ભાવ વધારો થયો છે. જેથી ટિકિટના દર વધારવા માટેની પણ માગ ઉઠી છે.
- Advertisement -
લોકમેળાના વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો 3 ઓગસ્ટના શનિવારે કરવામાં આવશે. જેમાં કેટેગરી-B રમકડાં, કેટેગરી-ઈ ખાણીપીણી, કેટેગરી-ઉં મધ્યમ ચકરડી અને કેટેગરી-C નાની ચકરડીનો ડ્રો સવારે 11 કલાકે કરવામાં આવશે. તેમજ કેટેગરી-J ખાણીપીણી, કેટેગરી-ઇ1 કોર્નર ખાણીપીણી, કેટેગરી-Z આઈસ્ક્રીમ, કેટેગરી-ણ ટી-કોર્નર, કેટેગરી-E યાંત્રિક, કેટેગરી-G યાંત્રિક, કેટેગરી-H યાંત્રિક અને કેટેગરી-H યાંત્રિકની હરાજી બપોરે 12.30 કલાકે યોજાશે. આ હરાજી અને ડ્રો નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડ, મિટિંગ રૂમ ખાતે યોજાશે, તેમ પ્રાંત કચેરીની યાદીમાં જણાવાયું છે.



