સિંગતેલનો ડબ્બો રૂા. 2700, કપાસિયા 2650 અને પામતેલ 2400ની સપાટીએ
ક્રૂડતેલ અને નેચરલ ગેસની તેજીના પગલે વિદેશમાં પણ તેલ-તેલીબિયા વાયદામાં ઉછાળો નોંધાતા કેન્દ્ર સરકાર સાવધ
દેશમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસની તેજીના પગલે તમામ કોમોડીટીમાં ભાવવધારા આગ લાગી છે તેમાં તેલ અને તેલીબિયાના વાયદામાં પણ ઉછાળો આવ્યો છે અને આગામી સમયમાં ખાદ્યતેલના ભાવ કઇ સપાટીએ પહોંચશે તે પ્રશ્ન છે અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં સ્ટોક લીમીટ સહિતના જે પગલા લેવામાં આવ્યા છે તેમજ આયાત-જકાત પણ ઘટાડીને દેશમાં ખાદ્યતેલનો પુરતો પુરવઠો ઉપલબ્ધ બને તે જોવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે પરંતુ તે તમામ નિષ્ફળ જતા હવે કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના આઠ રાજ્યોને ખાદ્યતેલમાં જે બેફામ ભાવવધારો અને સંંગ્રહાખોરી શરુ થઇ છે તેની સામે કડક ચેકીંગના આદેશ આપ્યા છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ખાદ્યતેલની તેજી કયા જઇને અટકશે તે પ્રશ્ન છે. હાલ સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો સિંગતેલનો ડબ્બો રુા. 2700, કપાસિયા તેલ રુા. 2650 અને પામોલીનનો ડબ્બો રુા. 2400માં વેચાઇ રહ્યો છે જે વાસ્તવિકતા કરતાં ઘણા ઉંચા ભાવ છે અને રાજ્ય સરકાર દ્વારા ખાદ્યતેલના ભાવને અંકુશમાં રાખવા માટે ભાગ્યે જ કોઇ પગલા લેવાયા હોય તેવા સંકેત છે. આ વચ્ચે હવે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલની તેજીને રોકવા માટે અત્યાર સુધી લેવાયેલા પગલા પણ નિષ્ફળ જતા ગુજરાત સહિતના આઠ રાજ્યોને ખાદ્યતેલના વેપારીઓ, પ્રોસેસર સહિત દરેક વર્ગ પર ચેકીંગના આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે આ આઠ રાજ્યમાં નક્કી કરેલા જિલ્લામાં ગમે ત્યારે સરપ્રાઇઝ કડક ચેકિંગની પણ સુચના આપી છે અને સરકારે નક્કી કરેલા સ્ટોક કરતાં વધુ સ્ટોક વેપારીઓ પાસે નીકળે તો કડક હાથે પગલા લેવા આ રાજ્યોને સૂચના આપી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સ્ટોક લિમીટની મુદત 31મી ડીસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. અને કડક હાથે કામગીરી કરવાની સૂચના આપી છે.