-ટાટા મોટર્સ ટાટા ટેકનોલોજીઝમાં OFS થી 20% હિસ્સો વેચશે
ટાટા ગ્રુપની કોઈ કંપનીનો 20 વર્ષ પછી આઈપીઓ આવી રહ્યો છે. ટાટા મોટર્સની સબસિડરી ટાટા ટેક્નોલોજીઝના આઈપીઓને સેબીએ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સેબીએ ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા) લિમિટેડ અને એનબીએફસી કંપની એસબીએફસી ફાઈનાન્સના આઈપીઓને પણ મંજૂરી આપી દીધી છે. ટાટા ટેકનોલોજીઝ સહિતની આ ત્રણ કંપનીઓએ આઈપીઓ માટે ડિસેમ્બર 2022થી માર્ચ,2023 વચ્ચે તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ રજૂ કર્યા હતા. તેમને 21થી 23 જૂન વચ્ચે મંજૂરી મળી હતા.
- Advertisement -
ડ્રાફ્ટ પેપર્સ અનુસાર ટાટા ટેક્નોલોજીઝનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) સ્વરૂપનો છે જેમાં કંપની 9.57 કરોડ ઈક્વિટી શેર વેચશે જે કંપનીની કુલ પેઈડ-અપ શેર કેપિટલના 23.60 ટકા છે.ટાટા ટેક્નોલોજીઝની પેરેન્ટ કંપની ટાટા મોટર્સ 8.11 કરોડ શેર (20 ટકા હિસ્સો) આ આઈપીઓ દ્વારા વેચી દેશે. અન્ય શેરધારકોમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.16 લાખ શેર (2.40 ટકા) શેર વેચશે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 48.58 લાખ ઈક્વિટી શેર (1.20 ટકા) વેચશે.
ગાંધાર ઓઈલ રિફાઈનરી રૂ।.357 કરોડની ફ્રેશ ઈક્વિટી ઓફર કરશે અને પ્રોટો 1.2 કરોડ શેર OFSથી વેચશે જેના દ્વારા રૂ।.500 કરોડ આસપાસની રકમ મેળવશે. કંપની આ ઈશ્યૂથી મળનારા ફંડમાંથી તેનું દેવું ચૂકતે કરશે અને ઈક્વિપમેન્ટ ખરીદશે. સિલ્વાસા પ્લાન્ટ ખાતે ઓટોમોટિવ ઓઈલની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તેનો ઉપયોગ કરશે. એસબીએફસી ફાઈનાન્સ રૂ।.1200 કરોડનો ઈશ્યૂ લાવી રહી છે જેમાં રૂ।.750 કરોડની ફેશ ઈક્વિટી ઓફર કરશે જ્યારે OFSથી રૂ।.450 કરોડ મેળવશે.