તા.26થી 29 ચાર દિવસીય મેળાની રંગત જામશે : કુલ 576 પ્લોટની સવા 3 કરોડ આવક થશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
તા.26 ઓગસ્ટથી તા.29 સુધી 4 દિવસીય યોજાનારા જગ વિખ્યાત તરણેતરીયા મેળામાં મોજ કરવા માટે ગુજરાતના લાખો લોકો થનગની રહ્યાં છે. આ વર્ષે સારૂ વાતાવરણ અને કડક નિયમોની એસઓપીમાં રાહત અપાતાં બે દિવસમાં 192 પ્લોટની હરાજી થઇ છે. પંચાયતને રૂ.1.13 કરોડની આવક થઇ છે.
બાકી રહેલા 384ની પ્લોટની હરાજીથી રૂ.2 કરોડથી વધુની આવક થવાનો અંદાજે છે. તરણેતરનો મેળો ગયા વર્ષે વરસાદને કારણે આમતો ફેલ જેવો જ ગયો હતો. પરંતુ આ વર્ષે મેળામાં રાઇડ, ખાણીપીણી, સહિતની અન્ય વસ્તુઓના કુલ 576 પ્લોટનું આયોજન કરાયું છે. જેની બે દિવસથી હરાજીની કામગીરી ચાલી રહી છે.
આ વર્ષે પ્લોટ ખરીદીમાં 100થી વધુ વેપારીઓએ ટેન્ડર ભર્યા હતા. ગત વર્ષે મેળાના સમયે વરસાદી માહોલ હતો. હવામાને યલ્લો એલર્ટ જાહેર કર્યું હતું. આથી વેપારીઓએ મેળામાં ખોટ જવાના ડરથી પ્લોટની હરાજીમાં ભાગ ન લીધો હતો. માત્ર 50 ટકા જ પ્લોટ વેચાયા હતા.
પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે, મેળાના આયોજનમાં રાજકોટથી એન્જીનિયરો બોલાવવામાં આવતા હતા.જેઓ અનિયમીત આવતા હોવાને કારણે ખાસ કરીને રાઇડ સહિતના સ્ટોલ નાખવામાં અને તેની ચકાસણીમાં મુશ્કેલી પડતી હતી.આથી આ વર્ષે સુરેન્દ્રનગરના એન્જીનિયરોને સતત હાજર રાખીને ઝડપથી મેળાનું એસઓપી મુજબનું કામ પુર્ણ કરવામાં આવશે.
અકસ્માત અંગે જાનહાની અંગે વીમો ફરજીયાત લેવાનો રહેશે લાઇટ કનેકશન રાખનારે બિલ ભરવાનું રહેશે, વીજપુરવઠો ખોરવાયતો વૈકલ્પિક વ્યવસ્થા રાખવી દુર્ઘટનાની જવાબદારી આયોજકોની રહેશે ખાદ્ય પદાર્થોનો ભાવ ચાલુ બજાર પ્રમાણે રાખવો ગ્રાઉન્ડની સોંપણી કરાયા બાદ કુદરતી આપતિ સમયે જવાબદારી આયોજકની રહેશે ફાયર સેફટીની વ્યવસ્થા કરવી. રાઇડ સહિતના સાધનોની સ્ટેબિલિટી બાબતે પ્રમાણપત્રો લેવાના રહેશે સીસીટીવીનું 30 દિવસ સુધી રેકોર્ડિંગ રાખવાનું રહેશે.
- Advertisement -
ચકડોળના સૌથી વધુ 70.43 લાખની બોલી બોલાઇ
હરાજીમાં 20 રાઇડ્સના અલગ અલગ સાઇઝના પ્લોટોની હરાજીમાં રૂ. 3 લાખથી લઇને રૂ. 42 લાખની અપસેટ પ્રાઇઝ રખાઈ હતી. જેમાં સૌથી મોટા પ્લોટની 70.43 લાખની આવક થઇ હતી. ગત વર્ષે આ પ્લોટની રૂ. 51 લાખ આવક થઇ હતી.



