રાજકોટ મનપાએ વિશ્ર્વ પર્યાવરણ દિવસ અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસનો હેતુ હવામાન પરિવર્તનના કારણે વધતા જતા પ્રદૂષણ સ્તર અને પર્યાવરણ માટેના જોખમ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ 1974માં કરવામાં આવી હતી, જેણે પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તનની પ્રેરણા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરો પાડ્યો હતો. આ દિવસે, સરકાર, બિન-સરકારી સંસ્થાઓ (એન.જી.ઓ.) અને નાગરિકો પર્યાવરણને સુરક્ષિત રાખવાના મહત્વ અને પર્યાવરણ પર માનવ પ્રવૃત્તિના પ્રભાવ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાન હેઠળ, શહેરના વોર્ડ નં.2માં રેસકોર્સ સંકુલ વિસ્તારમાં આવેલા કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડન તથા અન્ય સ્થળ સહિત 111 વૃક્ષનું વૃક્ષારોપણ કરી ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો. તેમજ રાજકોટ શહેરના શિવ મંદિરોમાં બિલ્વ વૃક્ષોના વૃક્ષારોપણ માટે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે બિલ્વ વૃક્ષનું વાવેતર કરી શુભારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા ચાલુ વર્ષ દરમ્યાન જુદા જુદા સ્થળોએ કુલ 2,50,000 વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત શહેરમાં પર્યાવરણ જાળવણી/વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ભરતભાઈ સુરેજાને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયર નયનાબેન પેઢડીયા, ઉપસ્થિત પદાધિકારીઓ તથા મહાનુભાવોના વરદ્દ હસ્તે પર્યાવરણ મિત્ર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
વૃક્ષ રથ દ્વારા શહેરીજનોને અંદાજે 10,000 રોપાનું વિતરણ કરવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વૃક્ષ રથ દ્વારા શહેરીજનોને અંદાજે 10,000 રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 માં એડવાન્સ મિલકત વેરો ભરપાઇ કરનાર દિવ્યાંગો તથા એક્સ સર્વિસમેનના નામે મિલકત હોય તેવા કરદાતાના નામે એક વૃક્ષનું વાવેતર તથા નાણાકીય વર્ષ 2025-26 માં રાજકોટ શહેરમાં જન્મ થતા બાળક/બાળકીના નામે એક વૃક્ષનું વાવેતરનું આયોજન હોય, જે અંતર્ગત આ વર્ષે 40,000 વૃક્ષો ટ્રી-ગાર્ડ સહિત વૃક્ષારોપણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
મહાનગરપાલિકાના જુદા જુદા સ્થળે કરશે વૃક્ષારોપણ
વૃક્ષારોપણ સ્થળ વૃક્ષની સંખ્યા
સ્માર્ટ સિટી પ્લાનટેશન
પ્લોટ નંબર 92/93 52,900
સ્માર્ટ સિટી પ્લાનટેશન
પ્લોટ નંબર 97/98 41,448
સ્માર્ટ સિટી પ્લાનટેશન પ્લોટ
નંબર 100/101/102 48,104
વોર્ડ નંબર 18 કોઠારીયા પ્લોટ
નંબર 13 ઓક્સિઝન પાર્ક 300
વોર્ડ નંબર 18 તિરૂપતિ
વોટર પંપીંગ સ્ટેશન 16,000
રામવન સામેના પ્લોટમાં 1350
રામવન પાર્કિંગની બાજુમાં 1750
આજી ડેમ હિલગાર્ડનની પાછળ 4640
આજી ડેમ પક્ષીઘરની પાસે 5080
વિવિધ ગાર્ડન અને ટીપી પ્લોટમાં 78,428