કેબિનેટ વિડીયો કોન્ફરન્સ યોજાઈ: સંભવિત ત્રીજી લહેરને અધિકારીઓ સાથે ચર્ચા
રાજકોટ જિલ્લામાં રોજનું 30 હજાર લોકોનું વેક્સિનેશન
આજે DRDOના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ સિવિલને અર્પણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આજરોજ કેબિનેટ મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રીજી લહેર અંગે આગોતરા આયોજન અંગે, વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા સહિતની અન્ય કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી તેવું એડિશનલ પરિમલ પંડ્યાએ જણાવેલ હતું.
વિડીયો કોન્ફરન્સમાં થયેલ ચર્ચા અંગે વધુમાં પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યમાં રોજનું પાંચથી છ લાખ જેટલું વેક્સિનેશન થાય છે ત્યારે આવતા સપ્તાહથી વેક્સિન આપવાની કામગીરી ડબલ એટલે કે 10 લાખ સુધીનો ટાર્ગેટ કરવામાં આવશે તેવા સૂચનો કરવામાં આવ્યા હતા. આમ રાજકોટ જીલ્લામાં રોજનું 30 હજાર જેટલું વેક્સિનેશન કરવામાં આવશે. સર્વેન્સ કામગીરી ચાલુ રાખવી જેમ કે કોરોનાના કેસમાં હવે રાહત મળી રહી છે પરંતુ લોકોને તાવ, શરદી હોય તેમનો RTPCR ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે. વિદેશી વિદ્યાર્થીઓને અત્યાર સુધી વેક્સિન આપવામાં આવી ન હતી જેની કામગીરી હવેથી શરૂ કરવામાં આવશે.
કોરોનાના કેસો ઓછા આવતા હવે ટેસ્ટીંગ કામગીરી વધારવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ સુપરસ્પ્રેડર એટલે કે શાકભાજીવાળા, ફેરીયાઓનું ટેસ્ટીંગ કરવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે.
ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત ન થાય તે માટે રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં પીડિયાટ્રીક્સો વધારવાની સૂચના તેમજ બેડની સુવિધાઓ વધારવા જણાવ્યું હતું. ગુજરાતભરમાં 58 જેટલા ઓક્સિજન પ્લાન્ટ જીસીઆરએસ કંપની દ્વારા અને 59 જેટલા ગર્વમેન્ટ તરફથી નાખવામાં આવશે જે અંતર્ગત ગઈકાલે રાજકોટની સિવિલમાં GCRSના બે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે અને આજરોજ DRDOના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ આવશે. જેમાંના 1000 લીટરનો પ્લાન્ટ પીડીયુ, 500 લીટરનો પદ્મકુંવરબા અને 500 લીટરનો ગોંડલ ખાતે સ્થાપવામાં આવશે. લિકવીડ ઓક્સિજન પૂરૂ પાડતી રીલાયન્સ કંપની અને જીએસએફસી કંપની સહિતની અન્ય કંપનીઓને લિકવીડ ઓક્સિજનની ક્ષમતા વધારવાનું પણ કહેવામાં આવ્યું છે. આમ રાજ્ય સરકાર સંભવિત ત્રીજી લહેરને એડીચોટીનું જોર લગાવી રહી છે જેથી કરી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેવું અંતમાં રાજકોટ જીલ્લા વહીવટી તંત્રે જણાવ્યું હતું.