જીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી સહીત જગ્યા પર આરોગ્યની કેન્દ્ર સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
ગિરનારને ફરતે પરિક્રમાનો ધાર્મિક પર્વ આગામી તારીખ 12/11/2024 થી 15/11/2024 સુધી હોય છે જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનો આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમા ના રસ્તે આવેલા યાત્રાળુઓને પડાવના સ્થળો જીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓને તેમના આરોગ્યની તકેદારી માટે આ વિસ્તારમાં વેચાતા આરોગ્યને હાનિકારક હોય તેવા વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ન ખાવાની તકેદારી રાખવી તેમજ ખરાબ પાણી નદી નાળા ના પાણી પીવામાં ઉપયોગમાં લેવું નહીં. પીવા માટે ક્લોરીનેશન કરેલું જ પાણી પીવાના ઉપયોગમાં લેવું આ અંગેની ખાસ તકેદારી રાખવી. તેમજ પરિક્રમા ના વિવિધ રસ્તાઓમાં ચઢાણવાળા તથા મહત્તમ શારીરિક શ્રમ યુક્ત હોય અને ભૂતકાળમાં આવા રસ્તાઓમાં વયોવૃધ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને વધુ તકલીફ પડતી હોય છે. આવા વયોવૃધ્ધ કે હૃદયની તકલીફ ધરાવતા લોકોને ગિરનાર પરિક્રમા ન કરવા અપીલ કરવામાં આવે છે. તેમ જ આકસ્મિક સંજોગોમાં દરેક સ્થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા એક યાદીમા જણાવાયુ છે.