પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ: 3 આરોપીઓની ધરપકડ, ટ્રેઇલર અને બોલેરો સહિતનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.15
- Advertisement -
ટંકારા સર્વેલન્સ સ્ટાફે રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન છતર જી.આઇ.ડી.સી.માં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે પ્રિન્સ ઝાલરીયા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખી પરપ્રાંતમાંથી દારૂ મંગાવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે રૂ. 1.17 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મોટી માત્રામાં દારૂ અને વાહનો જપ્ત પોલીસે ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂની 4,956 બોટલ (રૂ. 64.42 લાખ) અને પ્લાસ્ટિકના 27,600 ચપલા (રૂ. 27.60 લાખ) જપ્ત કર્યા છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાતું રૂ. 20 લાખનું ટ્રક ટ્રેઇલર અને રૂ. 5 લાખની બોલેરો પીકઅપ મળી કુલ રૂ. 1,17,22,800નો મુદ્દામાલ કબજે લેવાયો છે. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી સ્થળ પરથી કમલેશ વડેરા, જીતમલ કટારા અને નાન્હાલાલ સીંગાડા નામના શખ્સો પકડાયા છે. જ્યારે ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ ઝાલરીયા, તેનો ભાગીદાર માણસુર ડાંગર અને ટ્રેઇલર ચાલક સહિત પાંચ શખ્સો ફરાર હોવાથી પોલીસે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.



