પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
પ્રતિશોધ જ સૌથી શુદ્ધ ભાવના છે
– મહાભારત
- Advertisement -
સીન 1: એક ખાનગી બોટ પર એક સુંદર સ્ત્રી પોતાનું વેકેશન ગાળતી હોય ત્યાં જ બે લોકો ત્યાં આવી પહોંચે છે અને તેને ઘેરી લે છે. તેમના મનસૂબા પામીને તે મહિલા હજુ પોતાની પાસેના ટેબલના ખાનામાંથી મિની પિસ્તોલ કાઢે જ ત્યાં તે બે ઈસમોના હાથમાં રહેલી લોખંડની પાઈપમાંથી સાવ ધીમો અવાજ આવે છે અને તે સ્ત્રીના ગળા અને છાતી પર બે નાની ગોળીઓ છેદ કરી દે છે. અધમૂઆ જેવી હાલતમાં તે સ્ત્રી ચાલવાનો આયાસ કરે તો છે પણ ત્યાં એક આરામખુરશી પર ફસડાઈને બેસી જાય છે અને શ્વાસ લેવાના પ્રયાસમાં તેના બે ઘાવમાંથી લોહી દદડવા માંડે છે. તેની યંત્રણાનો અંત લાવવા ત્રીજો એક શખ્સ તેના માથામાં ગોળી ધરબી દે છે.
સીન 2: ઓલમ્પિકના ખેલાડીઓના રૂમો પર આતંકવાદી ટોળકી હુમલો કરે છે. ત્યાં એક અલમસ્ત પહેલવાન જેવો ખેલાડી એક ચાકુ લઈને તેમનો પ્રતિકાર કરવા પ્રયત્ન કરે છે ત્યાં જ બીજો એક આતંકવાદી કે જે તેનાથી થોડો દૂર હોય છે તે પોતાની રિવોલ્વરથી તે ખેલાડીના ગાલ માંથી સોંસરવી ગોળી ઉતારી દે છે. લોહીથી લથપથ તે જવાંમર્દ ખેલાડી હજુ પણ બહાદૂરી બતાવવાનો પ્રયત્ન કરે અને તરત જ બધા આતંકવાદીઓ પોતાની ગોળીઓ તેના શરીરમાં ધરબી દે છે અને તેનું કરપીણ મોત થાય છે.
સીન 3: ફિદાયીન તરીકે ઓળખાતા આતંકવાદીઓના એક માસ્ટરમાઈન્ડને મોતના ઘાટ ઉતારવા જાસૂસો તેના અપાર્ટમેન્ટમાં એક બોમ્બ ફિટ કરે છે. હવે જ્યારે તેમનો જ એક માણસ બહારથી પેલા આતંકવાદીને ફોન કરે ત્યારે બીજો એક માણસ પોતાના રિમોટથી તે ફોનમાં રહેલા બોમ્બને ફોડે એવો પ્લાન હોય છે.ગોઠવણી એવી હોય છે કે જ્યારે તે ઘરમાં કોઈ ન હોય ત્યારે ત્યાં બોમ્બ ફોડવો પણ તે લોકોની ગફલતના લીધે એક નાનકડી છોકરી તે ફોનના રિસીવરને ઉપાડવા જાય છે અને..
- Advertisement -
આવા તો ઘણાય સીન મહામહીમ સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘મ્યુનિક’માં છે કે તમારો શ્વાસ થોડી ક્ષણો માટે થંભાવી દે. જ્યોર્જ જોનાસના પુસ્તક ‘વેન્જન્સ’ પર આધારિત આ ફિલ્મ ઇઝરાએલે આતંકવાદી સંગઠન ‘બ્લેક સપ્ટેમ્બર’ પર પોતાના દેશના 11 ખેલાડીઓની મોતનું વેર વાળવા શરૂ કરાયેલા મિશનની કહાની બયાન કરે છે. ટુંકમાં કહીએ તો ફિલ્મની વાર્તા આમ છે: 1972માં જર્મનીમાં ચાલી રહેલા સમર ઓલમ્પિક દરમિયાન ફિદાયીનોની એક ટુકડી ગુપચુપ ત્યાં ઓલમ્પિક વિલેજમાં ઘૂસીને ઇઝરાએલી ખેલાડીઓને બાનમાં લઈ લે છે અને તેમના બદલામાં પોતાના 234 જેટલા કેદીઓને રિહા કરવાની માંગણી ઇઝરાએલી સરકાર પાસે કરે છે. વાટાઘાટોનો દોર શરૂ થાય છે પણ અંતે સરકારની મગરૂરી અને જર્મન પોલીસની મૂર્ખામીને લીધે અંતે બધા ખેલાડીઓ (તેની સાથે અમુક આતંકવાદીઓ પણ) કમોતે મરે છે. આ વિભીષિકાને એક રાષ્ટ્રીય આક્રોશનો મુદ્દો બનાવી ઇઝરાએલી સરકાર પોતાના દેશબાંધવોના રેડાયેલા રુધિરનું સાટું વાળવા પોતાના માણસોની ટુકડી બનાવે છે અને તે ટીમ આગળ કઈ રીતે કામ કરે છે તેના માટે આ ફિલમ જોવી રહી.
ફિલ્મના કલાકારોની વાત કરીએ તો મુખ્ય કિરદાર આવનેર કોફમેનને ભૂતપૂર્વ હલ્ક એવા એરિક બેનાએ બખૂબી નિભાવ્યું છે. તેની સાથે પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન સીરિઝના કપ્તાન બાર્બોસાનું પાત્ર નિભાવનાર જયોફરી રશે તે મિશનના સરગના તરીકે અદભુત કામ કર્યું છે. સૌથી મજેદાર પાત્ર એક મેથ્યુ એમેલરીકે નિભાવેલ મુખબિરનું છે કે જેની વફાદારી ‘પૈસો મારો પરમેશ્વર’ મુજબ કોઈ પ્રત્યે હોતી નથી. જોન વિલિયમ્સે આપેલ પાર્શ્વસંગીત દરેક સીનને એક અલગ જ આયામ આપે છે. અત્યારરે ભારત અને પાપિસ્તાન એવા પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલીના સમયમાં બોલિવૂડની આતંકવાદ પરની નકલી અને સુપરફીશિયલ ફિલ્મોથી કંટાળ્યા હોય તેમના માટે ‘મ્યુનિક’ એક સુપર્બ વિકેન્ડ વોચ બની શકે.
પૂર્ણાહુતિ:
તમે દયાળુ અને પ્રેમાળ હોય તો પણ એક હડકાયા કૂતરાંની બાજુમાં શાંતિથી સૂઈ ન શકો
– અસિન વિરાથુ