સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, ફૂલો, વનોની છે વનસ્પતિ.
– ઉમાશંકર જોશી
હોકીન ફિનિક્સની અભિનય ક્ષમતાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ગ્લેડીએટર, હર, હોટલ રવાંડા, સાઈન્સ જેવી ફિલ્મોમાં તેમણે અદ્ભુત અભિનય કર્યો છે પણ એ બધામાં શિરમોર કહી શકાય તેવો કસબ તેઓએ બતાવ્યો જોકર મૂવીમાં કે જેમના માટે તેમને ઓસ્કાર એવોર્ડ મળ્યો. કોરોના ફેલાયો તે પહેલા એટલે કે 2020માં તેમને તે એવોર્ડ મળ્યો ત્યારે આપણને ખબર પડી કે આ મૂઠી ઉંચેરા કલાકાર એક મૂઠી ઉંચેરા માણસ પણ છે તેમણે ઓસ્કાર મળ્યા બાદ આપેલા વક્તવ્ય દ્વારા. એમાં ઘણી બધી અદભૂત બાબતોનો સમાવેશ કરાયો છે. તો વધુ સમય બગાડ્યા વગર જાણીએ કે તેમણે શું કહ્યું હતું ત્યારે.
ઓવર ટુ હોકિન…..
” અત્યારે હું ખૂબ જ કૃતજ્ઞતા અનુભવું છું. મને નથી લાગતું કે મારા સાથી સ્પર્ધકો કરતાં હું બે વેંત ચડિયાતો હોય કારણ કે આપણે બધા એક જ પ્રેમ ધરાવીએ છીએ – ફિલ્મો માટેનો પ્રેમ. અને અભિવ્યક્તિના આ માધ્યમે મને સૌથી ઉત્કૃષ્ટ જીવન આપ્યું છે. હુ જાણતો નથી કે તેના વગર હું ક્યાં હોત.
પણ મને લાગે છે કે સૌથી મોટો ઉપહાર જો આ માધ્યમે મને કે આ ઉદ્યોગમાં કામ કરતા કોઈને પણ આપ્યો હોય તો તે છે અબોલ જીવો માટે અવાજ આપવા માટે અમને સક્ષમ બનાવવા. હું એવી અમુક દુ:ખી કરનારી સમસ્યાઓ વિશે વિચારી રહ્યો છું કે જેમનો સામનો આપણે સામૂહિકપણે કરીએ છીએ.
હું માનું છું કે આપણને એવું લાગે છે કે આપણને એવું લગાડવામાં આવે છે કે આપણે અલગ અલગ હેતુઓ માટે લડીએ છીએ. પણ, ના મને તો તેમાં સમાનતા જ દેખાય છે. હું માનું છું કે જ્યારે આપણે લૈંગિક અસમાનતા, અથવા જાતિવાદ અથવા સમલૈંગિકોના કે મૂળનિવાસી લોકોના કે પ્રાણીઓના અધિકારોની વાત કરીએ છીએ ત્યારે આપણે અન્યાય સામે લડવાની જ વાત કરીએ છીએ.
આપણે એ ખયાલ સામે લડવાની વાત કરીએ છીએ જે એવું કહે છે કે કોઈ એક દેશ, વ્યક્તિ, પ્રજા કે જાતિ કે પ્રજાતિને બધા ઉપર રાજ કરવાનો કે છૂટથી બીજાને બાનમાં રાખવાનો અધિકાર છે.
- Advertisement -
વિરામ:
માણસની જરૂરિયાત પૂરતું અહી બધું જ છે પણ માણસની લાલચને તો આ પૃથ્વી પણ ટૂંકી પડે છે.
– ગાંધીજી
મને લાગે છે કે આપણે કુદરતની દુનિયાથી સાવ વિમુખ થઈ ગયા છીએ. આપણામાંથી ઘણા આ દુનિયાને સ્વકેન્દ્રી દૃષ્ટિકોણથી જોવાનો અપરાધ કરીએ છીએ અને આપણે એમ માનીએ છીએ કે આપણે આ સૃષ્ટિનું કેન્દ્ર છીએ. આપણે પ્રકૃતિની દુનિયા જઈએ છીએ અને આપણા સ્ત્રોત બનાવવા માટે તેને વેડફીએ છીએ. આપણે એવું લાગે છે કે આપણને કોઈ ગાયને કૃત્રિમરીતે ગર્ભવતી બનાવવાનો અને પછી તેનું બચ્ચું છીનવી લેવાનો અધિકાર છે પછી ભલેને તે પ્રાણી ક્રોધથી ચીસો કેમ ન પાડતું હોય. પછી આપણે તેનું દૂધ લઈ લઈએ છીએ કે જે તેના વાછરડા માટે હોય છે અને તે દૂધને આપણી કોફી કે ધાન્યમાં નાંખીએ છીએ.
આપણને પોતાની જાતને બદલાવવાની બીક લાગે છે કારણ કે આપણને એવું લાગે છે કે તેના માટે આપણે કશાનો ત્યાગ કરવો પડશે, કશું છોડવું પડશે પણ માણસો પોતાની મનુષ્યતાના ઉચ્ચતમ સ્તરે બહુ રચનાત્મક અને નવુનવું કામ કરી શકતા હોય છે, અને આપણે બદલાવ લાવવા માટે એવી વ્યવસ્થાને બનાવી અને વિકસાવીને અમલમાં મૂકી શકીએ છીએ કે જે બધા સંવેદનશીલ સજીવો અને આ પર્યાવરણ માટે લાભદાયી હોય.
- Advertisement -
હું મારા સમગ્ર જીવન દરમિયાન એક નાલાયક જ બની રહ્યો છું. હુ સ્વાર્થી છું, અમુકવાર ક્રૂર પણ, મારી સાથે કામ કરવું દુષ્કર હતું પણ અહીં હાજર રહેલામાંથી ઘણાએ મને બીજો મોકો આપ્યો છે એટલે તે બધાનો હું આભારી છું. મને લાગે છે કે ત્યારે આપણે આપણા શ્રેષ્ઠતમ સ્વરૂપે હોઈએ છીએ; જ્યારે આપણે એકબીજાને સાથ આપીએ. એકબીજાને ભૂતકાળની ભૂલો માટે છોડી દઈએ ત્યારે નહી પણ જ્યારે આપણે એકબીજાને વિકસવા માટે મદદ કરીએ ત્યારે. જ્યારે આપણે એકબીજાને જાગૃત કરીએ; જ્યારે પ્રાયશ્ચિત કરવાનો માર્ગ બતાવીએ ત્યારે.
જ્યારે હું 17 વર્ષનો હતો ત્યારે મારા ભાઈ રીવરે આ પંક્તિઓ લખેલ. તેણે કહ્યું, ” પ્રેમ સાથે કોઈને બચાવવા માટે ધસી જાઓ અને જુઓ કે શાંતિ તમારી પાછળ આવે છે કે નહી.”
પૂર્ણાહુતિ:
વસુધૈવ કુટુમ્બકમ