વાંકાનેરના ઈલ્મુદીન બાદીની કલેક્ટર તથા SP સમક્ષ અરજી
એજાઝ કાદરીનું પરવાનાવાળું લાયસન્સ રદ્દ કરી તેને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવી સરકાર રચાયા બાદ સરકારે સૌ પ્રથમ રાજ્યમાંથી વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પ્રયત્નો શરૂ કરી દેવાયા છે. દરેક જિલ્લામાં વ્યાજંકવાદને ડામવા માટે લોકદરબાર સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના બદલામાં રૂપિયા 45 લાખ માંગી વાંકાનેર અને અમદાવાદના વ્યાજખોરોએ ખેતીની જમીન અને 10 લાખની કાર પડાવી લેતા યુવક ઇલ્મુદીન બાદીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ફરિયાદીએ એજાઝ કાદરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કલેક્ટર અને એસપીના માધ્યમથી ગૃહ તથા મહેસૂલ મંત્રીને રજૂઆત કરી છે.
તલાટી મંત્રી એજાઝ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા પાસેથી વાંકાનેરના યુવકે 5 ટકા વ્યાજે 30 લાખ રૂપિયા લીધા હતા, બદલામાં કાદરી અને ચુડાસમાએ 27 લાખ વ્યાજ લઇ 90 લાખની જમીન પચાવી પાડી
મહિકા ગામના ફરિયાદી ઈલ્મુદીન બાદીએ IPCની કલમ 386 (જબરજસ્તીથી વસૂલી) મુજબ ગુનો નોંધવા આવેદન પાઠવ્યું
- Advertisement -
ફરિયાદીએ આવેદનમાં અરજી કરી છે કે, એજાઝ કાદરી સામે 386ની કલમ મુજબ ગુનો નોંધાવો જોઈએ. તેની સામે એફ.આઈ.આર થઈ છે તો તેની સામે સસ્પેન્શન તથા તેની પાસે રહેલી અપ્રમાણસર સંપત્તિની તપાસ થવી જોઈએ. તે એક માથાભારે વ્યક્તિ છે. તે રાજ્યના સેવક તરીકે નીતિ નિયમોનું પાલન કરતો નથી. તેની પાસે હથિયારનું લાયસન્સ છે પરંતુ તે લોકોને ડરાવવા અને ધમકાવવા માટે તેનો ઉપયોગ કરે છે. તેણે અત્યાર સુધીમાં ધાક ધમકી, વ્યાજ વટાવ અને લાંચની રકમથી અઢળક સંપત્તિનું સર્જન કર્યું છે. . સંપત્તિ તેના મળતિયાઓ તથા પરિવારના અંગત સગાના નામે છે. તેની પત્ની જૈનુલબેન એક ખાનગી સ્કૂલમાં શિક્ષક છે તેનો માસિક પગાર પાંચ હજાર છે. છેલ્લા 10 વર્ષના ટૂંકાગાળામાં અઢળક સંપત્તિનું સર્જન કર્યું છે. તેની તપાસ થવી જોઈએ
કાદરી પર IPCની કલમ 386ની જગ્યાએ 384 લગાવનાર PIની તપાસ થવી જોઇએ
ફરિયાદી ઈલ્મુદીન બાદીએ જ્યારે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં તલાટી મંત્રી એજાઝ કાદરી સામે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ છાસીયાએ ફરિયાદીના બદલે વ્યાજખોરોનો સાથ આપી સમાધાન કરાવવાના પ્રયત્નો કર્યા હતા. 20 દિવસ સુધી ફરિયાદ પણ નોંધી ન હતી. ત્યારબાદ એજાઝ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા સામે 384ની હળવી કલમ લગાવી હતી જેથી ગુનેગારો તાત્કાલિક જામીન પર છૂટી જાય. ત્યારે આ પોલીસ ઈન્સ્પેક્ટરની પણ તપાસ થવી જરૂરી બને છે.
ખંધા તલાટી મંત્રી કાદરી પાસે અઢળક સંપત્તિ
– રાજકોટના રામનાથપરામાં ભવ્ય બંગલો
– વાંકાનેરના ખાટકીપકામાં એક વિશાળ મકાન
– વડોદરા, ઉજ્જૈન અને ભોપાલમાં મોટું રોકાણ
– પત્ની જૈનુલબેનના નામે ચંદ્રપુરમાં મોટી જગ્યા
– પોલ્ટ્રી ઉદ્યોગમાં કાદરીનું મોટાપાયે રોકાણ
– કલાવડી ગામે પણ 5 એકરની જમીન જૈનુલના નામે
એજાઝ કાદરીની પત્ની જૈનુલબેનનો માસિક પગાર 5 હજાર પરંતુ તેની પાસે અઢળક સંપત્તિ, જેની તપાસ થાય તે જરૂરી
ફરિયાદીની કલેક્ટરને રજૂઆત: ક્રિમિનલ કાદરીનાં હથિયારનું લાયસન્સ રદ કરી હથિયાર જપ્ત કરવું
ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી રાજ્ય સેવક તરીકે કોઈ નીતિનું પાલન કરતો નથી. શું તલાટી મંત્રીને હથિયારની જરૂર પડે? તેની પાસે એક રિવોલ્વર અને એક બાર બોરનો જોટો છે. એજાઝ કાદરી વ્યાજ વટાવનો ધંધો કરતો હોવાથી લોકોને ધાક ધમકી અને ડરાવવા માટે જ હથિયારનો ઉપયોગ કરે છે. તેની પરવાનાવાળી રિવોલ્વરથી જ ફરિયાદી ઈલ્મુદીન બાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેથી તેનો હથિયારનો પરવાનો રદ થવો જોઈએ અને તેનું હથિયાર પણ જપ્ત થવું જોઈએ. કાજરડા ગામનો તલાટી મંત્રી હોવાથી એજાઝ કાદરી જમીનોના સાચા ખોટા કામો પાર પાડે છે અને વ્યાજે પૈસા આપીને જમીનો પોતાના સગા વ્હાલાના નામે લખાવી લે છે. એજાઝ કાદરી જ્યારથી તલાટી મંત્રી તરીકે આવ્યો ત્યારથી લઈ અત્યાર સુધીના તેના કામોની જો તપાસ થાય તો અનેક ગેરરીતિઓ બહાર આવી શકે?