રાત્રે આવેલા ત્રણ આંચકાથી મીઠી નિંદર માણી રહેલા લોકો સફાળા જાગી ગયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકમાં ઠંડીનો માહોલ શરૂ થતાં ભુગર્ભ ના પેટાળમાં હિલચાલ વધતા ધરતીકંપના આંચકા શરૂ થયાં છે. મોડી રાત્રે ત્રણ અને દિવસે આવેલ એક આંચકાથી આખો પંથક ધ્રુજી ઉઠ્યો હતો. મોડી રાત્રે ધરતીકંપના તિવ્ર આંચકાથી મીઠી નિંદર માણી રહેલ લોકો ઉંઘમાંથી સાળા જાગી ભયભીત થઈ ઘરની બહાર નીકળી ગયા હતા.રાત્રીના સમયે ધરતીકંપ નાં આંચકા શરૂ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ધરતીકંપના આવેલ ચાર આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે 3:06 કલાકે આવેલ ધરતીકંપના આંચકાની તીવ્રતા 3.0 ની હતી જેની ઉંડાઈ 5.8 કિ.મી.હતી.બીજો આંચકો વહેલી સવારે 6:06 કલાકે નોંધાયો હતો તેની તીવ્રતા 1.4 ની હતી જેની ઉંડાઈ 6.0 કિ.મી.હતી.ત્રીજો આંચકો 6:59 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 2.4 ની હતી જેની ઉંડાઈ 8.0 કિ.મી હતી.ચોથો આંચકો બપોરે 4:18 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 2.8 હતી જે ભુગર્ભમાંથી માત્ર 4.2 કિ.મીની ઊંચાઈએથી આવ્યો હતો.ચારેય આંચકા નું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 14- થી 15 કિ.મી ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું છે.વહેલી આવેલ પ્રથમ આંચકાની તીવ્રતા 3.0 ની હોય તાલાલા શહેર તથા પંથકમાં આ આંચકાની વ્યાપક પ્રમાણમાં અસર થઈ હોય મીઠી નિંદર માણી રહેલા લોકો સફાળા જાગી ઘરની બહાર દોડી ગયા હતાં.ધરતીકંપના આંચકા થી નુકસાની થયાના કોઈ સમાચાર નથી.તાલાલા પંથકમાં રાત્રે અને દિવસે ધરતીકંપના અવિરત આંચકાનો દોર શરૂ થતાં લોકોમાં ફ્ફડાટ ફેલાયો છે.



