વર્લ્ડ ચેમ્પીયન બનવા માટે આઠ ટીમો વચ્ચે ટકકર
બીનઅનુભવી અમેરિકા તથા ‘અજેય’ દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ
- Advertisement -
ટી20 વર્લ્ડકપમાં વિશ્વ ચેમ્પીયન બનવાનો અસલી જંગ આજે સાંજથી શરૂ થશે. સુપર-8 સ્ટેજમાં પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે રમાશે. ટુર્નામેન્ટના લીગ મેચો ખત્મ થઈ ગયા છે. 20માંથી 12 ટીમો બહાર ફેંકાઈ ગઈ છે. હવે 8 મહારથીઓ વર્લ્ડ ચેમ્પીયન બનવા માટે મેદાનમાં ટકરાશે.
સુપર-8 મુકાબલાઓમાં ચાર ટીમો બહાર ફેંકાશે. બન્ને ગ્રુપની બે-બે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને ત્યારબાદ ફાઈનલ ટકકર થશે. વિશ્વ ચેમ્પીયન બનવા માટે હવે ‘ભૂલ’ને કોઈ અવકાશ નથી એટલે દરેકેદરેક મુકાબલા જીતવા માટે તમામ ટીમો જોર લગાવે તે નકકી છે.
દક્ષિણ આફ્રિકા તથા અમેરિકા વચ્ચે સાંજે પ્રથમ જંગ રમાવાનો છે. દક્ષિણ આફ્રિકાને લાગેવળગે છે ત્યાં સુધી આ ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. એકપણ મેચ હારી નથી. ટીમના બોલરોએ શાનદાર દેખાવ કર્યો છે. ન્યુયોર્કની પડકારજનક વિકેટ પર ત્રણ મેચ અને કિંગ્સટનમાં એક મેચમાં જીત મેળવી હતી. જો કે, ટીમ એકપણ મેચમાં 120થી વધુનો સ્કોર કરી શકી ન હતી.
- Advertisement -
બેટસમેનોનો દેખાવ અપેક્ષિત રહ્યો ન હતો. ડીકોક, કલાસેન, સ્ટલ્સ, મિલર જેવા સ્ફોટક ખેલાડીઓ હોવા છતાં કોઈનુ સતત ફોર્મ રહ્યું નથી. ડીકોક, માર્કરામ પર સારો દેખાવ તથા લાંબી ઈનિંગ રમવાનું દબાણ રહેશે. નેપાળ સામેનો આખરી મેચ ટીમ હારતા-હારતા બચી હતી અને માત્ર એક રને જીત મેળવી હતી.
આ સ્થિતિમાં હવે અમેરિકા સામેનો આજનો મેચ હળવાશથી લઈ શકે તેમ નથી. સુપર-8 સ્ટેજમાં પણ જીતથી શરૂઆત કરવાનો ઈરાદો રાખશે તે નિશ્ચિત છે. ત્યારબાદ ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ સામે મુકાબલા રમવાના છે.
દક્ષિણ આફ્રિકાના બેટસમેનોના નબળા દેખાવ સામે બોલરો કમાલ સર્જી રહ્યા છે. અત્યાર સુધી મુખ્ય બોલર નોર્ત્ઝેના ફોર્મની ચિંતા હતી પરંતુ તે અસલી રંગમાં આવી ગયો હોય તેમ ચારેય મેચમાં કાતિલ બોલીંગ ફેંકીને 9 વિકેટો ખેડવી છે. સાથી બોલરોનો પણ સાથ મળ્યો છે. અમેરિકી ટીમને અનુભવ ઓછો છે ત્યારે તનસેન અને આગ જેવા બોલરો પણ અમેરિકી ખેલાડીઓને પરેશાનીમાં મુકી શકે છે.