ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ટીબીને દેશમાંથી નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે, ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા તા.9 સપ્ટેમ્બર 2022 ના રોજ “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન (ઙખઝઇખઇઅ)”ની શરૂઆત કરવામાં આવી હતી. નિક્ષય મિત્ર (દાતાઓ)ને જોડી ક્ષય મુક્ત સમાજ નિર્માણ માટે અગ્રેસર બનવા માટેની આ પહેલ છે.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.જે લોકો ટી.બી.(ક્ષય)થી પીડાય છે તેવા લોકોને મદદ કરવા માટે નિક્ષય મિત્ર યોજના ચલાવવામાં આવે છે.
દર્દીને મદદરૂપ બનવા માટે જે લોકો આગળ આવે તેમને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નિક્ષય મિત્ર ક્ષયના દર્દીઓને રાશન કીટ આપે છે. જેથી પોષણમાં સુધારો આવે અને તેઓ ક્ષયથી મુક્ત બને તેમજ ક્ષયના દર્દીઓને તબીબી સહાય તરીકે 6 મહિના સુધી પ્રતિ માસ રૂ.500ની મદદ કરવામાં આવે છે. તે ઉપરાંત, દર્દીને પોષણ માટે દર મહિને રૂ.500ની મદદ પણ કરવામાં આવે છે.