એક મહિનાની મર્યાદા ધરાવતી નોટિસ આપ્યાની બે મહિના થયા પરંતુ હજુય કોઈ કાર્યવાહી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે જેના સામે સરકાર પણ આકરા પાણીએ હોય તેવું લાગે છે પરંતુ સ્થાનિક તંત્ર ક્યાંકને ક્યાંક બાંધછોડ કરવામાં હોય જેથી બાંધકામો યથાવત સ્થિતિમાં નજરે પાડી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે આવેલા ડોકટર હાઉસ ખાનગી હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી બી.યુ પરમિશન વગર ધમધમે છે છતાંય નગરપાલિકા તંત્ર માત્ર નોટિસો આપ્યા સિવાય કોઈ નક્કર કામગીરી હાથ ધરી નથી. નગરપાલિકા અગાઉ એટલી તો આંધળી હતી જ કે બી.યુ પરમિશન નહીં હોવાની સાથે અગાઉ આ ડોકટર હાઉસ હોસ્પિટલ પર ગેરકાયદેસર શેડ હતો જેને “ખાસ ખબર”ના અહેવાલ બાદ મહદઅંશે હટાવી લેવાયો છે પરંતુ જ્યારે નગરપાલિકાની નોટિસ હોસ્પિટલને આપી ત્યારે ડોકટર હાઉસના સંચાલક દ્વારા હોસ્પિટલ બિ.યુ પરમિશન વગર જ ચાલતી હોવાનું નોટિસના જવાબમાં સ્વીકાર્યું હતું અંતે નગરપાલિકા દ્વારા ગત 18 સપ્ટેમ્બર ખાતે અંતિમ નોટિસ આપી હોસ્પિટલના વપરાશ બંધ કરવા અંગે તાકીદ કરાઈ હતી
- Advertisement -
પરંતુ હજુય હોસ્પિટલ તો ધમધમે છે જેની સામે નગરપાલિકા તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી. હોસ્પિટલના સંચાલક દ્વારા હોસ્પિટલના વર્ષો પૂર્વે સામાજિક સંસ્થા પાસેથી ઇમારત ભાડે લીધી હતી અને હવે ઈમારતનો માલિક બનવું હોય તે પ્રકારે પોતે જ ઇમ્પેક્ટ ફાઈલ રજૂ કરી હતી જોકે હોસ્પિટલ પાસે કોઈ પાર્કિગની સુવિધા નહિ હોવાથી નગરપાલિકા દ્વારા ક્વેરી દાખલ કરાઈ છે પરંતુ આ પ્રકારે સમય ગાળવા માટેની કામગીરી કરતા નગરપાલિકા અહી આવતા દર્દીઓ અને તેઓના પરિવારજનો સાથે કોઈપણ સમયે દુર્ઘટના ઘટે ? તે બાબતની તેને ધ્યાને લઇ હોસ્પિટલ સિલ કરવાની કામગીરી કરે તે વધુ હિતાવહ હોય તેવી માંગ ઉઠવા પામી છે.