ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝુલતા પુલની ગોઝારી ઘટના વચ્ચે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં હવે ચૂંટણીનો માહોલ શરૂ થવા લાગ્યો છે. ચૂંટણી પંચની સૂચનાને પગલે આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે જેને લઈને વહીવટી તંત્ર ચૂંટણી સંબંધી કામગીરીમાં લાગી ગયું છે. તંત્ર દ્વારા જીલ્લાભરમાં રાજકીય પક્ષોના બેનરો, સૂત્રો, હોર્ડિંગ્સ અને ઝંડીઓ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત કરવામાં આવતા સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની છે. આગામી તા. 1 ડિસેમ્બરે મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો માટે ચૂંટણી હોય જીલ્લા ચૂંટણી તંત્રના આદેશ અન્વયે મોરબી નગરપાલિકાએ જુદી જુદી ટીમોને મેદાનમાં ઉતારી પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ તેમજ સામાકાંઠા સહિતના વિસ્તારોમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડી, બેનર, હોર્ડિંગ સહિતની પ્રચાર સામગ્રી હટાવી આચાર સંહિતાની અમલવારી કરવા કડક કામગીરી શરૂ કરી છે.