ખાસ ખબર – પોરબંદર
પોરબંદર જિલ્લાના બળેજ, માધવપુર અને ફટાણા વિસ્તારોમાં ખનીજચોરીના પ્રવૃતિઓને અટકાવવા માટે તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ખનીજચોરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત એક કરોડ રૂપિયાથી વધુ છે. તંત્રને મળેલી બાતમીના આધારે, પ્રાંત અધિકારી પોરબંદર સંદીપસિંહ જાદવ અને તેમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. 23મી મે, 2024ના રોજ ફટાણા ગામની સીમમાં, 24મી મે, 2024ના રોજ બળેજ ખાતે અને 26મી મે, 2024ના રોજ પણ બળેજ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાઓમાં કુલ 10 ચકરડી મશીન, 1 હિટાચી મશીન, 1 પથ્થર ભરેલ ટ્રક, 1 ડમ્પર, 3 ટ્રેક્ટર અને 2 જનરેટર સહિતના સાધનો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
27મી મે, 2024ના રોજ માધવપુર ગામમાં ગેરકાયદેસર ખનન પર રેડ પાડવામાં આવી, જેમાં 1 પથ્થર ભરેલ ટ્રક, 1 ટ્રેક્ટર, 3 ચકરડી મશીન અને 1 જનરેટર સહિતના સાધનો જપ્ત કરાયા. આ કાર્યવાહી દરમિયાન તમામ મુદ્દામાલને જપ્ત કરીને લાગુ પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ખનન ક્ષેત્રોની માપણી કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તે પૂર્ણ થયા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે. નાયબ કલેકટરની યાદીમાં જણાવાયું છે કે, આવા ગેરકાયદેસર ખનનના પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ભવિષ્યમાં પણ આવા દરોડાઓ અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાંના કારણે પોરબંદર જિલ્લાની દરીયાઇપટ્ટીમાં અને આસપાસના વિસ્તારોમાં ખનીજચોરી અને ગેરકાયદેસર ખનનની પ્રવૃતિઓ પર વધુ સક્રિય નિયંત્રણ આવી શકશે.