ભાઈઓમાં સુરતના નિલય કાર્નિકરે અને બહેનોમાં તાશા મોદીએ સ્પર્ધા જીતી
ખાસ-ખબર સંવાદદાતા
સાહસિકતા સભર 33મી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા આજે વહેલી સવારે આદ્રી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ બીચ ખાતેથી ભાઈઓની શુભારંભ કરાયો હતો. આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ સમુદ્રમાં છલાંગ લગાવી દરિયા સામે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય આપ્યો હતો.
આ તરણ સ્પર્ધામાં પોતાની સ્ફૂર્તિ અને તૈરાકીનું કૌવત બતાવતા ભાઈઓ માટે ના ચોરવાડ થી વેરાવળ 21 નોટિકલ માઈલ નું અંતર સુરતના નિલય કાર્નિકરે 05 કલાક 55 મિનિટ અને 55 સેક્ધડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે બહેનો માટે આદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઈલ નું અંતર તાશા મોદીએ 04 કલાક 10 મિનિટમાં તરણ સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
સ્પર્ધા પૂર્ણ થતાં સાંજે વેરાવળ મણિબહેન કોટક હોલ ખાતે ઇનામ વિતરણ યોજાયું હતું. જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ. 50,000 દ્વિતિય ક્રમાંક મેળવનારને રૂ. 35,000 અને તૃતિય ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.25,000ની રાશિથી સન્માનિત કરાયા હતાં. જ્યારે પૂજ્ય મોટા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિજેતાઓને રૂ. 2,01,000 દ્વિતિય વિજેતાને 1,65,000 અને ત્રીજા વિજેતાને રૂ.1,00,000 ની પુરસ્કૃત રાશિ તેમજ સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર સ્પર્ધકોને રૂ. 9,999ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
પ્રથમ ક્રમાંક મેળવનાર તાશા મોદીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ તરણ સ્પર્ધામાં મેં પ્રથમ વખત જ આ તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે. ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની સુવિધા પણ ખૂબ જ સરસ હતી. હું આવતા વર્ષે પણ ફરી આવીશ અને આ સ્પર્ધામાં અચૂક ભાગ લઈશ. જ્યારે પશ્ચિમ બંગાળના ભીમ કુમારે સરકાર સહિતની સામાજીક સંસ્થાઓએ કરેલ સુંદર વ્યવસ્થાઓ અને તમામ બાબતોની તકેદારીને ધ્યાને રાખીને કરેલી આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી.