ઑનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશનમાંથી મંગાવેલું ફૂડ 70-80% મોંઘું
‘ખાસ-ખબર’ દ્વારા સ્વિગી-ઝોમેટોમાં દર્શાવેલાં ભાવ અને રેસ્ટોરાંના મેન્યુનાં ભાવનું પોસ્ટમોર્ટમ
- Advertisement -
આજકાલ ઑનલાઈન ફૂડ ડિલિવરી કરતી એપ્લિકેશન સ્વિગી અને ઝોમેટો પર ફૂડ ઓર્ડર કરવા મોંઘા પડી રહ્યા છે. ફૂડ લવર્સ પણ સ્વિગી અને ઝોમેટોમાં ઑનલાઈન ફૂડ ઓર્ડર કરવા વિચારતા થઈ ગયા છે અને કેટલાક ફૂડ લવર્સ તો આ અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ પણ કરી રહ્યા છે. રેપોરેટ અને જીએસટીમાં ઘટાડો થવા છતાં ક્યાં કારણોસર ઑનલાઈન ફૂડ ઓર્ડર કરવા મોંઘા પડી રહ્યા છે તે જાણવા ‘ખાસ-ખબર’ દ્વારા એક ખાસ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
સૌ પ્રથમ ખાસ-ખબર દ્વારા ઑનલાઈન ફૂડ ડિલિવરી કરતી એપ્લિકેશન સ્વિગી અને ઝોમેટોમાં રાજકોટ શહેરની ત્રણ ખ્યાતનામ રેસ્ટોરન્ટ ધ ગ્રાન્ડ ઠાકર, સરગમ ફૂડ, બાલાજી સેન્ડવીચની મુલાકાત લઈ ઑફ્ફલાઈન ફૂડ મેનુના રેટ ચકાસવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણ રેસ્ટોરન્ટના સ્વિગી અને ઝોમેટોમાં રહેલા ઑનલાઈન ફૂડ મેનુના રેટ ચકાસવામાં આવ્યા હતા. આ રેસ્ટોરન્ટના ઑનલાઈન ફૂડ આઈટમ મેનુના રેટમાં અને ઑફ્ફલાઈન ફૂડ આઈટમ મેનુના રેટમાં 80 ટકા જેટલું અંતર જોવા મળ્યું હતું.
ફૂડ ડીલિવરી કરતી એપ્લિકેશન રેસ્ટોરન્ટ પાસેથી 20થી 25% જેટલો ચાર્જ વસૂલે છે
પહેલાં પાનાથી ચાલું…
મતલબ કે, આ ત્રણેય રેસ્ટોરન્ટમાંથી સીધું ઑફ્ફલાઈન ફૂડ ખરીદવા કરતાં ઑનલાઈન ફૂડ ખરીદવું આશરે 80-90 ટકા વધુ મોંઘુ પડે છે. આ અંગે ખાસ-ખબર દ્વારા એક રેસ્ટોરન્ટ સંચાલકનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, ઑનલાઈન ફૂડ ડિલીવરી કરતી એપ્લિકેશન રેસ્ટોરન્ટ પાસેથી 20થી 25 ટકા જેટલો ચાર્જ વસૂલે છે. ઉદાહરણ તરીકે કોઈ રેસ્ટોરન્ટ સ્વિગી કે ઝોમેટોમાં રૂ. 100નું બર્ગર વેંચે છે તો તેમાંથી રૂ. 20-25 તો સ્વિગી કે ઝોમેટોને જ ચૂકવવા પડે છે. આમ, રેસ્ટોરન્ટને સ્વિગી કે ઝોમેટો પર પ્રત્યેક ઓર્ડરનો 20-25 ટકા ચાર્જ ચૂકવવો પરવડે તેમ નથી તેથી જે બર્ગરના રેટ રેસ્ટોરન્ટના ઑફ્ફલાઈન મેનુ કાર્ડમાં રૂ. 100 હોય છે તે જ બર્ગરના સ્વિગી અને ઝોમેટો પર ઑનલાઈન મેનુ કાર્ડમાં રૂ. 150 આસપાસ હોય છે.
અનુસંધાન પાના નં. 3 પર