વિદેશ જવાની મીઠી આશાએ 28 લાખ ગુમાવ્યા: પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
મૂળ કુતિયાણા ગામે રહેતી અને હાલ પોરબંદરના ખોજાખાના પાસે શીતલ કોમ્પલેક્ષમાં રહેતી મિતલ ભીમાભાઈ ભુતિયા નામની યુવતીને વિદેશ યુ.કે. ખાતે નસીંગનું વર્ક કરવા માટે જવું હોય, જેથી આ યુવતી સાથે અગાઉ ભાવસિંહજી હોસ્પીટલમાં નોકરી કરતો રાણાવાવનો અને હાલ યુકે ખાતે રહેતો અજય દીલીપ ચાવડાને વાત કરતાં અજય ચાવડાએ આ યુવતીને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકાચીયા ગામમાં રહેતો મુકેશ વિરદાસ પટેલ, દિગ્મિતા ધર્મેશ પટેલ, ધર્મેશ પટેલના કોન્ટેકટ નંબર આપી, તેઓ વિદેશ યુકે જવાની વર્ક વિઝાનું એજન્ટ તરીકે કામ કરતાં હોવાનું જણાવ્યું હતું. યુવતીએ ત્રણેય શખ્સનો સંપર્ક કરતાં ત્રણેય આરોપીએ યુવતીને ચોકકસ પણે વર્ક વિઝા તથા યુકે ખાતે નર્સીગનું કામ અપાવવાનો વિશ્વાસ આપી, યુવતી પાસેથી રૂ.27 લાખ જેટલી રકમ એજન્ટ ફી તરીકે બેંક ખાતા તથા આંગડીયા મારફતે મેળવી લઈ, યુવતી સાથે ઠગાઈ કરવાના હેતુથી યુકે ગર્વેમેન્ટના સિમ્બોલ વાળો રેહોવોટ સર્વીસ લીમીટેડનો બનાવટી અને ખોટો ભુલ ભરેલ સ્પોન્શર લેટર કોઈ પણ રીતે બનાવીને આ યુવતીને મોકલ્યો હતો. ત્યારબાદ 365 ડીવાઈન કેર લીમીટેડનો ખોટો સ્પોન્શર લેટર કોઈ પણ રીતે બનાવી યુવતીને મોકલ્યો હતો. વી.એફ.એસ. ગ્લોબલ અમદાવાદ ખાતે આરોપીએ આપેલ બનાવટી સ્પોન્શર લેટર જમા કરાવતા યુવતી પાસેથી વિઝા ફી પેટે રૂ. 1,20,000 ભરાવ્યા હતા. યુવતીએ રૂપિયા પરત માંગતાં આરોપીઓએ યુવતીને ફોનમાં ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી પિંકેશ પટેલે યુવતીના પતિ સામતભાઈને ફોનમાં ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વર્ક વિઝા કેન્સલ થતાં યુવતીને ખોટા દસ્તાવેજ રજૂ કરવા માટે યુકે દેશમાં 10 વર્ષ નહી જવા પ્રતિબંધ કરવામાં આવ્યો. યુવતીએ આ અંગે ઠગાઈ કરવાના ઈરાદે, છેતરપીંડી અને વિશ્વાસઘાત બાબતે ફરિયાદ નોંધાવતા કમલાબાગ પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.