પવિત્ર શ્રાવણ માસ નિમિતે સ્વયંભૂ રામનાથ મહાદેવની 101મી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ઠેર ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. જ્યારે અલગ અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થાય ત્યારે પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવતું હતું. આ યાત્રા રામનાથ મહાદેવના મંદિર થી શરૂ કરી હાથીખાના, પેલેસ રોડ સહિતના મુખ્યમાર્ગો પર ફરી અને અંત રામનાથ મહાદેવ મંદિર પહોંચી હતી અને આરતી કરવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે, રામનાથ મહાદેવના એક ભકત દીપકભાઈ દવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આજથી 101 વર્ષ પૂર્વે આ પાલખીયાત્રાની શરૂઆત થઈ હતી. 101 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામનો રોગ ફાટી નિકળ્યો હતો. આ રોગથી રાજકોટ લોકોને બચાવવા ત્યારના રાજા લાખાજીરાજ બાપુએ રામનાથ મહાદેવ મંદિરે પ્રાર્થના કરીને માનતા માની હતી કે, જો રાજકોટ શહેર પ્લેગ રોગથી બચી જશે તો તે રામનાથ મહાદેવની પાલખી યાત્રા શહેરમાં કાઢવામાં આવશે. જે પછી રાજકોટનાં લોકો પ્લેગમુક્ત થયા હતા. ત્યારથી દર વર્ષે ભગવાન રામનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે.