સપ્ત સંગીતિ 2024નો બીજા દિવસ
આજે વેણુવાદક પં. રાકેશ ચોરસિયાનું બાંસુરીવાદન શ્રાવકોને અલૌકિક દુનિયાની સફર કરાવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન અયોજીત શાસ્ત્રીય સંગીતના મેઘધનુષ્ય સમાન સપ્ત સંગીતિ 2024 કલા મહોત્સવના બીજા દિવસની સાંજ સ્વર સમ્રાજ્ઞી પદ્મશ્રી શુભા મુદગલે શાસ્ત્રીય ગાયન થકી અલૌકિક માહોલ સર્જયો. રાજકોટના શાસ્ત્રીય સંગીતના ભાવકો થયા શાસ્ત્રીય કંઠય સંગીતમાં રસતરબોળ થઇ હતી. કાર્યક્રમના માસ્ટર ઓફ સેરેમની તરીકેની જવાબદારી નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર વિક્રમભાઇ સંઘાણીએ નીભાવી હતી.
શુભા મુદગલજી અને અનીસ પ્રધાનજીના રાજકોટ પ્રવાસનો લાભ યુવા પ્રતિભાઓને મળે તે માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના શાસ્ત્રીય સંગીત શીખતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન સેશનનું આયોજન પણ કર્યું હતું જેમાં તેમણે તમામ ભાવકો સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કરી, તેમના અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપ્યો હતો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં વિપુલ વોરાનું બાંસુરીવાદને સાંજનો સાંગીતિક માહોલ સર્જયો હતો. વિપુલભાઇ વોરા એ બાંસુરી પર રાગ મારવા અને ત્યારબાદ રાગ પૂરિયા કલ્યાણ પ્રસ્તુત કર્યો હતો. તેમની સાથે યશ પંડયા એ ખુબ સુંદર તબલા વાદન નિભાવ્યું હતું. કલ્યાણ થાટમાં પ્રવેશ પહેલા જોલ રાગ વગાડવો જરૂરી હોય તેમણે ખૂબ પ્રચલિત પુરિયા કલ્યાણની બંદિશ ’બહોત દિન બીતે બીતે રી’ મધ્યલય તીનતાલમાં પ્રસ્તુત કરી હતી. અંતિમ પ્રસ્તુતિમાં વિપુલ વોરાએ ગુજરાતી ગીતો જેવા કે રમ્યા રમ્યા સાહેબજી જેવી કૃષ્ણ ભક્તિ ઉપર આધારિત ગીતોના સુર તેમની વાંસળીમાં પુરી અને શ્રોતાઓને મંત્ર મુક્ત કરી દીધા હતા.
સભાના બીજા ચરણમાં મંચ પર બિરાજમાન શુભા મુદગલજીએ સૌપ્રથમ નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો અને 2018 બાદ 2024 માં તેમને ફરીથી આમંત્રિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આ ખરેખર એક ગુણી અને પ્રતિભાવન કલાકારની વિનમ્રતા કહેવાય. આ ઉપરાંત તેમણે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સાથે આયોજીત માર્ગદર્શન સેશન માટે પણ નીઓ રાજકોટના ડિરેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે યુવા પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને કલાકારો સાથે સન્મુખ થવાનો અને સંવાદ કરવાનો અવસર પૂરો પાડ્યો હતો. શુભાજી એ પ્રથમ રાગ શ્યામ કલ્યાણ વિલંબિત રૂપક તાલમાં રજૂ કર્યો હતો. તેમણે ’દેખ સખી બન તે હરી આવત’ બંદિશ રજૂ કરી હતી, જેમાં શ્રીકૃષ્ણના સ્વરુપનું સુંદર નયનરમ્ય વર્ણન કર્યુ હતું અને સભાનો માહોલ શ્રી કૃષ્ણમય બનાવી દીધો હતો.
તા. 4 જાન્યુઆરીને ગુરુવારના રોજ સપ્ત સંગીતિની ત્રીજી સાંજે રાજકોટની જનતાને કાર્યક્રમના પ્રથમ ચરણમાં ગુજરાતના વરિષ્ઠ શાસ્ત્રીય ગાયિકા તરીકે નામના ધરાવતા ડો. વિરાજ અમર ભટ્ટ શાસ્ત્રીય કંઠય સંગીત રજુ કરશે. . તેમની સાથે ભારતના ખ્યાતિપ્રાપ્ત અને પ્રતિષ્ઠિત સારંગી વાદક અલ્લારખા કલાવંત સારંગીમાં સાથ આપશે. તેમની સાથે હાર્મોનિયમ ઉપર રાજકોટના આશાસ્પદ યુવા કલાકાર પલાશ ધોળકીયા સાથ આપશે. નિરજ ધોળાકીયા તબલા ઉપર સંગત કરશે. કાર્યક્રમના બીજા ચરણમાં પં. રાકેશ ચોરસિયાનું બાસૂરીવાદન માણવા મળશે. તેઓ દેશના સુવિખ્યાત બાસુરી વાદક પં. હરિપ્રસાદ ચોરસિયાજીના ભત્રીજા અને શિષ્ય છે. તેમની સાથે પં સત્યજીત તલવલકર તબલાવાદન રજુ કરશે. તેઓ તાલયોગી પં સુરેશ તલવલકરજીના શિષ્ય અને પુત્ર છે. તેમના માતા શ્રી પદમાંતાઈ તલવલકર દેશના સિનિયર ગાયિકાઓમાં નામના ધરાવે છે.