ડૉ. કૌશિક ચૌધરી
આ વિકૃત વિચાર સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળમાં છુપાયેલો છે
- Advertisement -
મણિનગર સંસ્થાના પુસ્તક ‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકની વાર્તા 33માં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને ભગવાન ન કહેવાનો વિવાદ ચરમ પર છે. પણ બહુ ઓછા લોકો પુસ્તકના એ પાનાના લખાણનો સાચો અર્થ સમજી શક્યા છે. કારણકે સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન ધર્મ વિરોધી મૂળ વિચારધારા વિશે તેમની ચોપડીઓમાં જે લખાયું છે તે બહુ ઓછા લોકો જાણે છે. તે પાના પર લખ્યું છે કે કોઈ આબાસાહેબના સગાંવાલા તેમને દ્વારિકામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા જવાનું કહે છે, અને આ કારણે આબાસાહેબ ગોપાળાનંદ સામે તેમના સબંધીઓને કુસંગી કહે છે. આબાસાહેબ ગોપાળાનંદને પૂછે છે કે ’શું દ્વારિકામાં ભગવાન મળશે?’ યાદ રહે, અહીં એવું નથી પૂછ્યું કે ’દ્વારિકામાં ભગવાન કૃષ્ણ મળશે? ’ પૂછયું છે કે ’શું દ્વારિકામાં ભગવાન મળશે? ’ અર્થાત્ જે ભગવાન છે તે શું દ્વારિકામાં હશે? સામે ગોપાળાનંદ જવાબ આપે છે કે ’હવે દ્વારિકામાં ભગવાન ક્યાંથી હોય? પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
અહીં ભગવાન કૃષ્ણ દ્વારિકાના સ્થાને વડતાલમાં છે એવું નથી કહેવાયું. અહીં કૃષ્ણ ભગવાન નથી સ્વામિનારાયણ છે, એ પ્રતિપાદિત કરવાની કોશિશ છે. ભગવાન તરીકે કૃષ્ણના સ્થાને સ્વામિનારાયણને સ્થાપી દ્વારકાના સ્થાને વડતાલનું મહત્વ ઊભું કરાયું છે. એટલે જ તો એજ વાર્તામાં આગળ આબાસાહેબના સબંધીઓ તેમને દ્વારકા લઈ જાય છે, તો તેમની હોડી ડૂબી જાય છે, અને આબાસાહેબ સ્વામિનારાયણના જાપ કરવા લાગે છે ત્યારે એ નવા ભગવાન આવી તેમને બચાવે છે. આ સમયે સ્વામિનારાયણ આબાસાહેબને કહે છે કે તમારા જે સબંધીઓ તમને દ્વારકા બાજુ લઈ જતા હતા તે તમારા પૂર્વ જન્મના શત્રુ છે.
હવે આ આખી ગપગોળા વાળી વાર્તા શું કહેવા માંગે છે એનું મૂળ મળે છે વડતાલ ગાદી સાથે સંકળાયેલ કુંડળધામ અને શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા દ્વારા પ્રકાશિત ‘અક્ષરાનંદ સ્વામીની વાતો’ પુસ્તકમાં. એ પુસ્તકના પાના નંબર 419 અને 420 પર સહજાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનો એક સંવાદ આપેલો છે. તે લખાણ નીચે મુજબ છે:
પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, ‘સ્વામી, આપણે અત્રે આવ્યાનું કારણ તમે જાણો છો? ત્યારે સ્વામી કહે, ના મહારાજ, હું જાણતો નથી.’
મહારાજ કહે, ‘તમો આદિક અક્ષરમુક્ત અક્ષરધામમાં બેઠા હતા અને અમે અક્ષરધામમાં વાત કરી જે, આ બ્રહ્માંડ ઘણાક કાળથી સરજાણું છે, પણ કોઈ જીવ અક્ષરધામમાં આવતા નથી. પછી અમે દત્ત તથા કપિલ આદિક અવતારને મોકલ્યા, તે પણ ત્યાં આવ્યા નહીં ને તેમને ભજીને પણ કોઈ આવ્યું નહીં. પછી ત્રેતાયુગમાં રામચંદ્રજીને મોકલ્યા.
સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદીઓ સાથે જોડાયેલા પુસ્તકોમાં જ આ વાત છે, જ્યાં સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ વગેરે નામ આપી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સહિત તમામ પંચદેવથી અલગ કોઈ જિસસ જેવા ઈશ્ર્વર બનાવી દેવાયા છે
તે વખતે માણસની દસ હજાર વરસની આવરદા હતી, પણ (રામચંદ્ર)પોતે અગિયાર હજાર વરસ સુધી રહ્યા, પણ પોતે એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં. પછી અમે શ્રીકૃષ્ણને મોકલ્યા, તે પણ કલિયુગમાં સો વરસની આયુષ છતાં પોતે સવાસો વરસ રહ્યા, તોપણ એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં.’
ત્યારે તમે બોલ્યા જે, ‘હે મહારાજ ! જે જે ધામમાંથી જે જે અવતાર આ પૃથ્વી ઉપર આવે, તેને ભજીને જીવો તે તે ધામને પામે છે. એ તો જ્યારે તમો પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પધારો ત્યારે તે જીવ તમને ભજીને અક્ષરધામમાં આવે.’
ત્યારે અમે કહ્યું જે, અમે જયારે પૃથ્વી ઉપર પધારીએ ત્યારે તમારે પણ આવવું પડશે. ત્યારે તમે કહ્યું જે, ’અમારું શું કામ છે ?’ ત્યારે અમે કહ્યું જે, તમારું કામ તો એટલું જે, તમે ધર્મ પાળીને બીજાને ધર્મ પાળતાં શીખવો. ભક્તિ કરીને ભક્તિ કરતાં શીખવો. ત્યારે તમે બોલ્યા જે, ’મહારાજ ! તમે પધારશો ત્યારે અમારે પણ આવ્યા વિના છૂટકો છે ?’ માટે તમારા જેવા અક્ષરમુક્ત લઈને અત્રે આવ્યા છીએ.’
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્વામી, આ છ હેતુ માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ.” પછી મહારાજ કહે :
(1) જે-જે અવતારને આપણે મોકલ્યા (રામ, કૃષ્ણ) તેમને અક્ષરધામમાં લઈ જવા છે.
(2) તેને (રામ, કૃષ્ણને) ભજીને જે-જે જ્યાં-જ્યાં ગયા હોય તેમને અક્ષરધામમાં લઈ જવા છે.
(3) ને ભક્તિ-ધર્મને એકાંતિક સુખ આપવું.
(4) આ પૃથ્વી વિષે એકાંતિક ધર્મ પ્રવર્તાવવો.
(5) અને સર્વ જીવ-પ્રાણીમાત્રને વિષે સ્વામિનારાયણની નિષ્ઠા પ્રવર્તાવવી.
(6) ને નવા મુમુક્ષુ ઉત્પન્ન કરવા. 643 (પાનાં નંબર 419-420)
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદીઓ સાથે જોડાયેલા પુસ્તકોમાં જ આ વાત છે જ્યાં સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ વગેરે નામ આપી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સહિત તમામ પંચદેવથી અલગ કોઈ જિસસ જેવા ઇશ્ર્વર બનાવાઈ દેવાયા છે. એ સ્વામિનારાયણ તમામ વૈદિક ઈશ્ર્વરોને નીચે પૃથ્વી પર મોકલે છે, ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો એકાંતિક ધર્મ સ્થાપવા માટે, પણ બધા વૈદિક ઈશ્ર્વરો નિષ્ફળ જાય છે. અને એટલે સ્વામિનારાયણ પોતે આવે છે. અને આ એ સંપ્રદાયની મુખ્ય માન્યતા છે કે કારણકે હવે સ્વામિનારાયણ ભગવાન પોતે આવી ગયા છે, એટલે એમના પહેલા તેમના દ્વારા મોકલાયેલ નિષ્ફળ ગયેલા કોઈ વૈદિક દેવોને પૂજવાની જરૂર નથી. એ બધા તો સેવક છે, હવે સ્વામિનારાયણ જ એકમાત્ર ઇશ્ર્વર છે. કારણકે હજી હિન્દુ સમાજ વૈદિક ઈશ્ર્વરો સાથે જોડાયેલો છે એટલે એ સ્વામિનારાયણ ને હજી સર્વોપરી કહી સેવક તરીકે નીચે હિંદુ ઇશ્ર્વરો ને રાખવામાં આવે છે. એકવાર એ વૈદિક દેવો પ્રાચીન આરબના દેવી દેવતાઓની જેમ લુપ્ત થઈ જાય, પછી સ્વામિનારાયણ જ એકમાત્ર ભગવાન છે એ વાત બચે છે.
તો, આ કારણ છે જેથી કહેવાઈ રહ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, એ તો હવે સ્વામિનારાયણ રૂપે વડતાલમાં છે. એ ભગવાન કૃષ્ણને દ્વારિકા ન સ્થાને વડતાલમાં નથી બતાવી રહ્યા. તે દ્વારિકામાં સ્થાપિત શ્રીકૃષ્ણ ભગવાન નથી, ભગવાન વડતાલ વાળા સ્વામિનારાયણ છે એમ કહી રહ્યા છે. શું ક્યારેય હિંદુ શાસ્ત્રોમાં એવી કથા જોઈ કે ભગવાન કૃષ્ણ કહેતા હોય કે ’ભગવાન હવે મથુરા, વૃંદાવન કે ડાકોરમાં ક્યાંથી હોય. એ તો દ્વારિકામાં જ છે. જે તમને મથુરા, વૃંદાવન લઈ જાય છે તે કુસંગી છે અને તમારા પૂર્વ જન્મના શત્રુ છે.’ શું ક્યારેય ભગવાન કૃષ્ણનું એવું કથન સાંભળ્યું કે તેમના પહેલાના અવતાર રામની ભૂમિ અયોધ્યામાં ભગવાન ક્યાંથી હોય, એ તો હવે દ્વારિકામાં જ હોય?’ આવું કોઈ કથન કે વિચાર હિન્દુ શાસ્ત્રોમાં મળે જ નહીં, કારણકે હિંદુ સનાતન ધર્મ એવો એક જ સાકાર ઇશ્ર્વર પાછળ ચાલતો એકાંતિક ધર્મ છે નહીં. અહીં, રામ, કૃષ્ણ એ વિષ્ણુના ભિન્ન અવતારો છે, અને એ દરેક સ્થાને વિષ્ણુ રૂપે તે હાજર છે. બસ, આ ભેદ છે. સ્વામિનારાયણ સંપ્રદાય રામ, કૃષ્ણ સહિત સંપૂર્ણ સનાતન ધર્મ અને વૈદિક દેવી દેવતાઓને આ પુસ્તકોમાં લખેલી માનસિકતાથી વિશ્ર્વમાંથી નાબૂદ કરી દેવા માંગે છે. અને આ રીત એજ છે જે ચૌદસો વર્ષ પહેલા મોહમ્મદ પયગંબરે અરબમાં અપનાવી હતી.
મોહમ્મદ પયગંબરે અરબી સમાજમાં કહ્યું, આજ સુધીના આપણા બધા પયગંબરનો સ્વીકાર કરવામાં આવે છે, પણ હું છેલ્લો પયગંબર છું અને હું આ બધા દેવી દેવતાઓ ઉપર રહેલા એકમાત્ર ઇશ્ર્વર એવા અલ્લાહ નો સંદેશ લઈને આવ્યો છું. આજ સુધી જે હતું એ બધું સાચું હતું. પણ હવે હું આવી ગયો છું, એટલે અલ્લાહ મને જે કહે છે તે જ કરવાનું. મારા પછી હવે કોઈ પયગંબર નહીં આવે. મેં જે લખી આપ્યું એમ કરશો તો જન્નતમાં અલ્લાહ પાસે જશો, નહીં કરો તો નર્કમાં જશો.’ બસ આ જ વાત સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજ સાથે કરવા માંગે છે. આજ સુધી જે વૈદિક ઈશ્ર્વરો હતા એમને સ્વીકાર કરીએ છીએ, પણ હવે સ્વામિનારાયણ ભગવાન આવી ગયા છે, તો એ કહે એજ સાચું. એમને જ પૂજવાના, બીજા કોઈને નહીં. જે સ્વામિનારાયણ ને મૂળ સર્વોપરી પરમેશ્ર્વર માનશે તે અક્ષરધામના સ્વર્ગમાં જશે, જે તેમને કોઈ વૈદિક દેવ સમકક્ષ માનશે તે નીચેના વૈકુંઠ, ગોલોક જેવા માયાના પ્રભાવમાં રહેલાનરક તુલ્ય ધામોમાં ફસાઈ જશે. સ્વામિનારાયણ તો એ ધામોમાં ફસાયેલા રામ અને કૃષ્ણને પણ અક્ષરધામ લઈ જવા આવ્યા છે.
આ એ આખી વિકૃતિથી ભરેલું આક્રમણ છે જે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ પર આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. હવે દરેક હિન્દુ અને ગુજરાતીને આ આક્રમણને અને તેના વિકૃત અબ્રાહમિક વિચારને સાચી રીતે સમજી લેવાનો છે.
- Advertisement -
જે સ્વામિનારાયણ ને મૂળ સર્વોપરી પરમેશ્ર્વર માનશે તે અક્ષરધામના સ્વર્ગમાં જશે, જે તેમને કોઈ વૈદિક દેવ સમકક્ષ માનશે તે નીચેના વૈકુંઠ, ગોલોક જેવા માયાના પ્રભાવમાં રહેલાનરક તુલ્ય ધામોમાં ફસાઈ જશે. સ્વામિનારાયણ તો એ ધામોમાં ફસાયેલા રામ અને કૃષ્ણને પણ અક્ષરધામ લઈ જવા આવ્યા છે. આ એ આખી વિકૃતિથી ભરેલું આક્રમણ છે જે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ પર આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે