સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે જોડાયેલા વિવાદો અહેવાલોમાં આવતા હોય છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વિવાદ બન્ને એક બીજાના પૂરક બની ગયા હોય તેવું લાગી રહ્યં છે. તાજેતરમાં અમદાવાદના કોટેશ્ર્વર ગુરુકુળનો વહીવટ સંભાળતા સ્વામી રામકૃષ્ણ એક મહિલા સાથે હોટેલમાં જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આ સાથે જ ફરી એક મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનાના પડઘા પડતા જ કાલુપુર સ્વામિનારાયણ મંદિર વહીવટી તંત્ર એક્શનમાં આવી જઈને સ્વામીને બરતરફ કર્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, કોટેશ્ર્વર ગુરુકુળના મુખ્ય હોદ્દા પર બિરાજમાન સ્વામી રામકૃષ્ણ એક મહિલા સાથે હોટેલમાં જોવા મળતા એક નવા વિવાદે જન્મ લીધો છે. આ અંગેના પુરાવા સામે આવતા જ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ મામલે વિવાદ વકરતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતા જ સ્વામી રામકૃષ્ણને પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. મંદિર તંત્રનો દાવો છે કે સ્વામીએ પોતાની સ્વેચ્છાએ ધર્મ અને સાધુતાનો ત્યાગ કર્યો છે. હાલ રામકૃષ્ણા સ્વામીએ ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારિક જીવનની શરૂઆત કરી દીધી હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, એક તરફ મંદિર તંત્ર સ્પષ્ટતા આપી રહ્યું છે, તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ સમગ્ર મામલાને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે મીડિયા અને અન્ય લોકોએ આ અંગે વધુ વિગતો જાણવા માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મોટાભાગના હોદ્દેદારોના ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે, જે અનેક સવાલો ઉભા કરે છે.



