ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તાલાલા નગરપાલિકા હાઈસ્કૂલમાં ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડા,સંસ્થાના આચાર્ય અરવિંદભાઈ મુંજપરા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા ઉપર ભાર મુકતા વક્તાઓએ જણાવ્યું હતું કે એક સફાઈ કરે..કચરો અનેક કરે.. તો સ્વચ્છતા શક્ય નથી.આપણે કચરો ઓછો કરવો જોઈએ તેમજ કચરો કચરા ટોપલીમાં નાખીએ તો આપોઆપ સ્વચ્છતા તથા પ્રકૃતિ છવાઈ જશે.મહાત્મા ગાંધી,સંત ગાંગડે મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ શાળા,ગામ સ્વચ્છ રાખવા સૌએ સંકલ્પ કરવા વકતાઓએ અનુરોધ કર્યો હતો.કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ સ્વાગત ગીત સાથે સૌને ઉમળકાભેર આવકાર્યા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ સાખંટે કર્યું હતું.અંતમાં શિક્ષક અલકાબેન રાણીપા એ આભાર દર્શન કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
છ દાયકા જુની શાળા નવનિર્મિત બનાવો,
ધારાસભ્યએ ઘટતું કરવા ધરપત આપી
ગીરના પાટનગર તાલાલા શહેર તથા આજુબાજુના ગામોના બાળકોને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ આપતી નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલ 60 વર્ષ જૂની થઈ ગઈ છે.શાળા અત્યારના આધુનિક સમય પ્રમાણે નવનિર્મિત બનાવવા શાળા પરિવારે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સમક્ષ માંગણી કરી હતી.શાળા પરિવારની માંગણી ને વધાવતા ધારાસભ્ય એ શાળા નવનિર્મિત બનાવવા જરૂરી કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી.
- Advertisement -



