મૃતદેહને થાનગઢ હૉસ્પિટલ લઈ જઈ પીએમ વગર જ વતન મોકલી દેતાં તર્ક વિતર્ક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કોલસાની ખાણ હવે કાળા યમદૂત સમાન સાબિત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કોલસાની ખાણમાં છેલ્લા ત્રણેક દિવસની જો વાત કરવામાં આવે તો કુલ આઠ શ્રમિકોના મોત થયા હોવાની વાત વહેતી થઈ છે પરંતુ એક પણ બનાવમાં પોલીસ ચોપડે ગુન્હો નોંધાયો નથી. જેમાં શુક્રવારે વાગડીયા ગમે પૂર્વ સરપંચના પુત્ર કોલસાની ખાણમાં ભેખડ ધસી જવાના લીધે મોત થયું હતું જે બાદ શનિવારે બપોરના સમયે ચોરવીરા ગામે કોલસાની ખાણમાં ભેખડ પડતા એક સાથે છ જેટલા પરપ્રાંતિય શ્રમિકો દટાયા હોવાની વાત વહેતી થઈ હતી.
ત્યારે આ બનાવ બાદ સોમવારે વહેલી સવારે મૂળીના ખંપાળિયા ગામના સીમમાં બંધાર વિસ્તારમાં ચાલતી કોલસાની ખાણમાં ભેખડ પડવાના લીધે વધુ એક પરપ્રાંતિય યુવાન મોતને ભેટ્યો હોવાની વાત સામે આવી હતી. આ બનાવમાં મૃતક યુવાનને થાનગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ અહીં તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરતા મૃતકના પરિવાર પાસે કુદરતી મોત થયાનું નિવેદન આપી તાત્કાલિક શ્રમિકોને તેઓના વતન ખાતે મોકલી દેવાયા હતા. જે પરપ્રાંતિય શ્રમિકનું મોડી રાત્રે મોત થયું તે આશરે 33 વર્ષીય કૈલાશભાઈ સુરસંગભાઈ ભુરીયા રહે મૂળ: ગામ :- કાબાડકુવા, તાલુકો :- પંથા, જી:- ધાર, (મધ્યપ્રદેશ) વાળા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જ્યારે શ્રમિક યુવાનને મૃત ઘોષિત કર્યો તે બાદ પીએમની કાર્યવાહી થઈ નહીં તે બાબત અનેક તર્ક વિતર્ક જગાવી રહી છે. જોકે દર વખતની માફક આ વખતે પણ કોલસાની ગેરકાયદેસર ખાણમાં શ્રમિકના મોત થયા બાદ પરિવારને યેન કેન પ્રકારે સમજાવી મામલો દબાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ તરફ ચોટીલા પ્રાંત અધિકારીને સમગ્ર બાબત ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા જેમાં રેવન્યુ તલાટી દ્વારા ખંપાળીયા ગામે જઈ સ્થાનિકનું નિવેદન લીધું હતું અને સ્થાનિક દ્વારા નિવેદનમાં આવી કોઈ ઘટના બની નહીં હોવાનું જણાવી મૃતક થાનગઢના ઉંડવી ગામે રહેતો હોવાનું તથા ખંપાળીયા ગામે કોઈપણ પ્રકારની ખનિજ ચોરી ધ્યાને નહિ હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે સ્થાનિક સરપંચ તો ખનિજ ચોરી મુદ્દે વિપરીત પ્રતિક્રિયા આપતા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
ચોટીલા પ્રાંત અધિકારીને બાબત ધ્યાને આવતા તપાસના આદેશ
ખંપાળીયા ગામના સ્થાનિકોએ આપેલા નિવેદનમાં શંકા કુશંકા!
ખંપાળીયા ગામે કોલસાની ખાણમાં એક પરપ્રાંતિય યુવાનના મોતની વાત વહેતી થતા જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા હતા જેમાં ખંપાળીયા ગામે બે સ્થાનિકોના નિવેદન પણ લેવાયા હતા. ચોટીલા પ્રાંતે આપેલા આદેશ બાદ તલાટી દ્વારા સ્થાનિકોના નિવેદન હાથ ધર્યા હતા પરંતુ આ નિવેદનમાં મૃતક થાનગઢના ઊંડવી ગામનો હોવાનું અને હૃદય રોગથી મોત થયું હોવાનું નિવેદન આપનારે જણાવ્યું છે પરંતુ અહીં સવાલ એવો પણ ઉભો થાય છે કે જો મૃતક થાનગઢ ગ્રામ્યના હોય અને થાનગઢ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હોય તો પછી મૂળી તાલુકાના ખંપાળીયા ગામના સ્થાનિકોને આ મૃતકના મોતની જાણ કેવી રીતે હોય શકે?
- Advertisement -
“ખાસ – ખબર” શ્રમિકના મોતનું સાચું કારણ બહાર લાવવા માટે પ્રયત્ન કરશે
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર કોલસાની ખાણોમાં શ્રમિકોના મોતની વિગતો સામે આવે છે પરંતુ ખૂબ જ ઓછા કિસ્સામાં ગુન્હા નોંધાય છે જ્યારે આ કિસ્સામાં પણ મોતનું કારણ દબાવવામાં આવ્યું હોવાની આશંકાને લીધે “ખાસ-ખબર” મૂળ સુધી જઈ મૃતકના મોતનું સાચું કારણ બહાર લાવવા માટેના પ્રયત્ન કરશે.
મૃતકની લાશને થાનગઢ હોસ્પિટલ ખાતેથી પીએમ વગર જ મોકલી દેવાયો
ખંપાળિયા ગામે સોમવારે વહેલી સવારે પરપ્રાંતિય યુવાનના બનાવમાં મૃતકની લાશને થાનગઢ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા મૃતકનું પીએમ શા માટે નહીં કરાયું હોવાનું પૂછતા જણાવ્યું હતું કે ” મૃતકના પરિવારજનો પીએમ માટે રાજી ન હતા અને કુદરતી મોત થયાનું જણાવતા લાશ પરિવારને સોંપી દીધા બાદ મૃતદેહ લઈ તમામ ચાલ્યા ગયા હતા.
પીએમ નહીં થતા ક્યાંક મોતનું સાચું કારણ તો દબાવાયું નથી ને?
કૈલાશભાઈ સુરસંગભાઈ ભૂરિયાનું મોત થયા બાદ થાનગઢ હોસ્પિટલ ખાતે લાવી પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે તેઓ વીજળીયા ગામે વાડીમાં ખેત મજૂરી કામ જોવા માટે આવ્યા હતા પરંતુ ત્યાં યુવાનને હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું” આ તરફ જો યુવાનનું મોત ખરેખર કુદરતી હોય તો પછી પોસ્ટમોટમ શા માટે નથી થયું ? જેથી સ્પષ્ટપણે પીએમ નહીં કરવાના લીધે મોતનું સાચું કારણ પણ દબાવમાં આવ્યું છે.
ખનિજ માફિયાઓએ પાપ છુપાવવા યુવાનના મોતને કુદરતી દર્શાવી દીધું?
સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાદ એક કોલસાની ખાણોમાં શ્રમિકોના મોત થવાના મામલે તંત્ર પર હવે દબાણ વધી રહ્યું છે તેવામાં ખનિજ માફિયાઓના પણ ધંધા બંધ થાય તે માટે યુવાનના મોતને મામલે આખોય મામલો કુદરતી મૃત્યુ થયું હોવાનું દર્શાવી દેવાયું હતું પરંતુ પોસ્ટમોટમ વગર યુવાનનું મોત રહસ્ય બનીને રહી ચૂક્યું છે.