નિહિત બેબી કેર હોસ્પિટલમાં હિરેન મશરૂએ કરેલા કૌભાંડનો સૌપ્રથમ પર્દાફાશ ‘ખાસ-ખબર’એ કર્યો હતો
હિરેન મશરૂને સ્પેશિયાલિટી ડોક્ટરની શ્રેણીમાંથી સસ્પેન્ડ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે ઓળવી લીધી હતી આ અંગેના અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ અન્ય મીડિયાએ પણ કૌભાંડની નોંધ લીધી હતી. શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી વિવાદાસ્પદ નિહિત બેબી કેર હોસ્પિટલને રાજ્યના આરોગ્ય કમિશનર વિભાગ દ્વારા રૂપિયા 6,54,79,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના આધારે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ગાંધીનગર આરોગ્ય વિભાગે નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂને પેનલ્ટીનો લેટર મોકલ્યો હતો. જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પરિવારોને રૂપિયા 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે.
ત્યારે ડો. હિરેન મશરૂની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરીને કુલ 116 કેસ પ્રી-ઓથ એપ્રૂવલ માટે મૂક્યા હતા. હવે તેમની હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ મેડિકલ કાંડ બહાર આવ્યું હતું. સરકારી યોજનાનો લાભ લેવા માટે હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ કરી દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેને પગલે રાજ્ય દ્વારા આકરા પગલા ભરવામાં આવ્યા છે. સરકારે ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 જેટલી હોસ્પિટલોને PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરી છે. તેમજ ડો. પ્રશાંત વઝીરાણી સહિત 4 ડોક્ટરોને સ્પેશિયાલિટી ડોક્ટરની શ્રેણીમાંથી સસ્પેન્ડ કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા ઙખ-ઉંઅઢ યોજનામાંથી જે સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમાં શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા-ગીર સોમનાથ, નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર પ્રા.લિ.-અમદાવાદ, શિવ હોસ્પિટલ-અમદાવાદ, નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ-રાજકોટ, ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-અમદાવાદ, સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ-સુરત અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ-વડોદરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડૉ. હિરેન મશરૂ, ડૉ. કેતન કલારિયા, ડૉ. મિહિર શાહ અને ડૉ. પ્રશાંત વઝીરાણીને સસ્પેન્ડ કરી દેવાયા છે.