ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિન નિમિત્તે તા. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી 73 સ્થળોએ 73,000 યોગ સાધકો દ્વારા 7,30,000 સૂર્ય નમસ્કારના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ ખાતે યોગ બોર્ડના કોચ અને સાધકો દ્વારા ઠેર-ઠેર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટ જિલ્લામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન અંગે વિગતવાર માહિતી આપતા યોગ કોચ પારૂલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના નાના મવા મેઈન રોડ, અજમેરા શાસ્ત્રીનગર પાછળ, ગાંધીનગર સોસાયટી શેરી નં- 10ના બે કોમન પ્લોટમાં તા. 16 સપ્ટેમ્બરના શનિવારના રોજ સવારે 6 થી 7 યોગ શિબિર, 7 થી 8 યોગ રેલી અને તા. 17 સપ્ટેમ્બરના રોજ રવિવારે સવારે સૂર્ય નમસ્કાર અને 21 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ નાગરિકો ઉપસ્થિત રહી શકશે. વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વેસ્ટ ઝોનના કોચ અને યોગ ટ્રેનરોની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચાર પ્રસાર થાય, જન જન સુધી યોગ પહોંચે, લોકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તથા નિરોગી રહે તેવા આશયથી સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત જ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.