રાજકોટ અને અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા તપાસ કરાઇ
રાજકોટની ઝોન-5 સબરજિસ્ટ્રાર કચેરીમાં ITના ધામા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રાજકોટ ઈન્વેસ્ટીગેશનના આસીસ્ટન્ટ કમિશનર સહિત 6 લોકોની ટીમ દ્વારા બુધવાર બપોરથી જ તપાસ હાથ ધરવામાં આવતા કર્મચારીઓ સહિત સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારના નિયમ મુજબ 30 લાખથી વધુની રકમના દસ્તાવેજની જજઋઝ ઈન્કમટેક્ષ વિભાગમાં રજૂ કરવાની હોય છે અને 50 લાખથી વધુ રકમના દસ્તાવેજમાં એક ટકા ઝઉજ વસુલવાનો હોય છે. ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલ સબ રજીસ્ટ્રાર ઝોન-5 કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં થયેલા 50 લાખથી ઉપરના દસ્તાવેજમાં એક ટકા ઝઉજ વસુલ કરવામાં ન આવ્યો હોય તે માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. સબ રજીસ્ટ્રારના સત્તાવાર સુત્રોએ કહ્યું હતું કે, ઝોન-પાંચની કચેરીમાં ઈન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા કેટલાક દસ્તાવેજમાં ક્વેરી હોય તેની ચકાસણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ ઈન્કમટેક્ષ વિભાગની ટીમે બપોરના બે વાગ્યાની આસપાસ ધામા નાંખ્યા હતા જે રાત્રીના 11:30 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ઈન્કમટેક્ષ વિભાગની ટીમે સર્ચ ચાલુ કરતાની સાથે જ તમામ કર્મચારીઓના મોબાઈલ લઈ બંધ કરી દેવામાં આવ્યા હતા.
અવેરનેસ કેમ્પ હોવાનો આઇજીઆર અજયકુમાર ચારોલનો દાવો
આ અંગે આઇજીઆર અજયકુમાર ચારોલે જણાવ્યુ હતુ કે આ એક માત્ર અવેરનેશ કેમ્પ હતો. જેમાં ઇન્કમટેક્ષ ફાઇલીંગ અંગેનો ડેટા ચેક કરવામાં આવ્યો છે. તેમજ ઈન્કમટેક્ષ વિભાગે ઝોન-5 હેઠળ આવતા દસ્તાવેજોની ચકાસણી કરી છે. આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષના ડેટા લેવામાં આવ્યા છે. ઈન્કમટેક્ષ વિભાગની ટીમે બપોરના 2 વાગ્યાથી તપાસ હાથ ધરી હતી જે રાત્રીના 11:30 વાગ્યા સુધી ચાલી હતી.
- Advertisement -
ઝોન-5માં મોટામવા, નાનામવા વિસ્તારના નોંધાય છે દસ્તાવેજ
ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં શહેરના નાનામવા-મોટામવા વિસ્તારની સોસાયટીઓના દસ્તાવેજની નોંધણી થાય છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મોટી રકમના દસ્તાવેજની નોંધણી થઈ છે. તેમાં કોઈ બિલ્ડર દ્વારા કરચોરી કરવામાં આવી હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
દર 6 મહિને ITને દસ્તાવેજ નોંધણીનો ડેટા મોકલાય છે
રાજકોટ શહેરની 8 અને ગ્રામ્ય વિસ્તારની 10 મળી કુલ 18 સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવામાં આવતા દસ્તાવેજના ડેટા દર છ મહિને ઈન્કમટેક્ષ વિભાગને મોકલવામાં આવે છે. તેમાંથી આજે શહેરની એકમાત્ર ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી કચેરીમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે.