આર્મીમેન પુત્ર સાથેના અફેરને કારણે યુવતી રોજ ઝઘડો કરતી હતી; ગુસ્સે ભરાયેલા પિતાએ શરીર પર 36 ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે તા. 15 નવેમ્બરના રોજ 23 વર્ષીય યુવતી હેતલ જુવાલિયાની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે ચુડા પોલીસે આરોપી બચુ વશરામભાઈ લીંબડિયા (આર્મીમાં ફરજ બજાવતા યુવક સંજયના પિતા)ને જોબાળાની સીમમાંથી ઝડપી પાડ્યો છે, જેણે હત્યાનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે.
આ અંગે લીંબડી ઉુજઙ વિશાલ રબારીએ જણાવ્યું કે, મૃતક હેતલને આરોપીના પુત્ર સંજય સાથે અફેર હતું, અને તેમને એક પુત્ર પણ છે. જોકે, સંજયના પરિવારે આ સંબંધ સ્વીકાર્યો ન હતો. સંજય આર્મીમાં ફરજ પર ગયો હોવાથી હેતલ રોજ સવારે આરોપી બચુ લીંબડિયાના ઘરે આવીને ઝઘડા કરતી હતી.
આરોપી બચુ લીંબડિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, “તે યુવતી રોજ સવારે અમારા ઘરે આવી ઝઘડા કરતી હતી, જેથી મને ગુસ્સો આવ્યો અને મેં આડેધડ છરીના 36 ઘા ઝીંકીને તેને ગામ વચ્ચે પતાવી દીધી.” તા. 15ના રોજ હેતલ ટિફિન લઈને રાણપુર નોકરીએ જતી હતી, ત્યારે ગામના બજારમાં જ યુવકના પિતા બચુ લીંબડિયાએ તેની કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



