બહુચરા માવાવાળાની દુકાને દરોડો પાડી 250 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું: પર્યાવરણની જાળવણી માટે મનપાની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
- Advertisement -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે સઘન ઝુંબેશ શરૂ કરી છે. સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે શહેરના વ્યાપારી વિસ્તારોમાં અચાનક ચેકિંગ હાથ ધરીને મોટી કાર્યવાહી કરી હતી.
આ ઝુંબેશ દરમિયાન બહુચરા માવા વાળાની દુકાન પર કરાયેલી રેડમાં આશરે 250 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરની ખાણી-પીણીની લારીઓ અને દુકાનો પર તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી કુલ રૂ. 20,000/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
કડક કાર્યવાહીના ભાગરૂપે, મૂળચંદ રોડ પર આવેલું ભાવિક જાગડાનું ગોડાઉન પણ સીલ કરી દેવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને સંગ્રહ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્રએ નાગરિકો અને વેપારીઓને પ્લાસ્ટિકનો ત્યાગ કરી પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરી છે.



