9 મહિનામાં 24% દસ્તાવેજ મહિલાઓના નામે: રૂ. 4 કરોડથી વધુની ફી માફ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન-મિલકતના દસ્તાવેજોની નોંધણી મહિલાઓના નામે કરાવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સરકાર દ્વારા મહિલાના નામે જમીન ખરીદવામાં આવે તો નોંધણી ફીમાં 1 ટકાની માફી આપવામાં આવે છે, જેનો લાભ લેવા મધ્યમવર્ગીય પરિવારો હવે મહિલાઓને મિલકતની માલિક બનાવી રહ્યા છે.
વર્ષ 2024 (જાન્યુઆરી-ડિસેમ્બર) દરમિયાન કુલ 39,850 દસ્તાવેજો પૈકી 7,900 દસ્તાવેજો મહિલાના નામે નોંધાયા હતા, જે 22% ટકાવારી દર્શાવે છે. તેની સામે, ચાલુ વર્ષ 2025ના પ્રથમ 9 મહિના (જાન્યુઆરી-સપ્ટેમ્બર)માં કુલ 27,103 દસ્તાવેજોમાંથી 6,570 દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા છે, જે ટકાવારી વધીને 24% થઈ છે. આ 9 મહિનામાં અંદાજે ₹4.00 કરોડની નોંધણી ફીની માફી આપવામાં આવી છે. બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ કે.સી. શાહના મતે, મધ્યમવર્ગના લોકો નાના દસ્તાવેજો (2, 5 કે 10 લાખની રકમના મકાનો) મહિલાના નામે કરાવીને આ ફી માફીનો લાભ લે છે. લોકો હવે નોંધણી ફીની માફીની જેમ જ સ્ટેમ્પ ડ્યુટીમાં પણ 1 ટકાની માફી આપવાની માંગ કરી રહ્યા છે, જેથી મહિલાઓ અને સિનિયર સિટિઝનોને વધુ પ્રોત્સાહન મળી શકે.