છેલ્લા 10 વર્ષથી સુરતમાંથી ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ નામનું સંસ્કૃત ન્યુઝ પેપર દાઉદી વ્હોરા સમાજનાં મુસ્લિમબંધુઓ પ્રકાશિત કરે છે
તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે બીજી અન્ય ભાષાના ન્યુઝ પેપર જોયા હશે પરંતુ સંસ્કૃતમાં ન્યુઝ પેપર જોયા છે? હવે જ્યારે તમને ખબર પડે કે દેશનું એકમાત્ર દૈનિક સંસ્કૃત પેપર સુરતથી નીકળે છે તો ચોક્કસ તમને નવાઇ લાગશે. અને એનાથી અચરજ એ છે કે એ ચલાવનાર દાઉદી વ્હોરા સમાજનાં મુસ્લિમબંધુઓ છે.
છેલ્લા 10 વર્ષથી સુરતમાંથી પ્રકાશિત થતા ‘વિશ્વસ્ય વૃતાંતમ્’ સંસ્કૃત ન્યુઝ પેપરનાં મેનેજિંગ એડિટર મુર્તુઝા ખંભાતવાલાએ જણાવ્યુ કે ધો-10માં ઓપ્શનલ વિષય તરીકે સંસ્કૃત રાખનારો ક્લાસમાં હું એકમાત્ર વિદ્યાર્થી હતો.
- Advertisement -

સંસ્કૃત મારો વિષય નહી હતો પરંતુ પરિણામ આવ્યુ ત્યારે સૌથી વધુ માર્કસ સંસ્કૃતમાં હતા.અને મને સંસ્કૃત ભણવાની પણ ખુબ મજા પડી હતી. ત્યારથી જ સંસ્કૃતમાં કંઇક કરવુ છે એવી ભાવના થઇ હતી. દરમિયાન 2011માં સુરતમાં ડી.સી.ભટ્ટ સાથે સંસ્કૃત પેપર ચાલુ કર્યુ. જેની સંપુર્ણ જવાબદારી મેં સ્વીકારી હતી.
પરંતુ બે-ત્રણ વર્ષમાં રીડરશીપ ન મળતા પેપર બંધ કરવાની નોબત આવી. ત્યારે સોશિયલ મિડીયાનો પણ ફેલાવો ન હતો. બાદમાં પેપર બંધ થાય એવું હું ઇચ્છતો ન હતો. અને મામા સૈફિ સંજેલીવાલાને આર્થિક સપોર્ટ કરવાનું જણાવતા તેમણે શુભસ્ય શીઘ્રમ મુજબ સમર્થન કર્યુ અને પેપર બાદમાં અમે ચાલુ રાખ્યુ. આજે ડેઇલી ચાર પાનાનું તમામ પ્રકારની ખબરો સાથેનું પેપર નીકળે છે.
પેપરમાં રાજકારણ, સાંપ્રત ઘટના-સમસ્યાઓ, સ્પોર્ટસ, હેલ્થ, ફિલ્મી સમાચાર, સ્પેશિયલ કોલમ વગેરેનો સમાવેશ થાય છે. હાર્ડકોપી સાથે સોશિયલ મીડિયામાં ‘વિશ્વસ્ય વૃતાંતમ્’નો મોટો વાચક વર્ગ છે. આ પેપરના વાચકો ગુજરાત સિવાય, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેષ્શ, યુપી, કર્ણાટક, પંજાબ, કાશ્મીર, હિમાલય દિલ્હી, ઉત્તરાખંડ વગેરે જગ્યાએ છે. વિદેશી વાચકો પણ છે.
- Advertisement -
સરકાર તરફથી સહકાર નથી : સૈફિ સંજેલવાલા
‘વિશ્વસ્ય વૃતાંતમ્’નાં ઓનર સૈફિ સંજેલવાલાએ કહ્યુ કે સંસ્કૃત પ્રત્યેના પ્રેમના કારણે જ અખબાર ચાલુ કર્યુ છે. ગાંઠનું ગોપીચંદન કરીને પણ અખબાર ચાલુ રાખીશુ જેનુ એકમાત્ર કારણ સંસ્કૃત છે. સરકારી જાહેરાત વિશે વાત કરતા તેમણે કહ્યુ કે સરકાર માહિતી ખાતા તરફથી સહકાર નથી. છેલ્લા ત્રણ વર્ષથી કોઇ જાહેરાત નથી. રજુઆતો સાંભળવા કોઇ રેડી નથી. પણ તેમછંતા પેપર ચાલુ જ રહેશે.
ડેઇલી પાંચ કલાક ટાઇપીંગ અને સેટિંગમાં થાય છે : મુર્તુઝા ખંભાતવાલા
મુર્તુઝા ખંભાતવાલાએ કહ્યુ કે સુરત ઉધના ખાતે ઓફિસમાં દૈનિક સમાચારોનું લગભગ ચારથી પાંચ કલાક ટાઇપીંગ અને સેટિંગનું કામ ચાલે છે. સુરત અને દિલ્હીમાં બે-બે ટ્રાન્સલેટર્સ છે. જેઓ તમામ ખબરોનુ સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરે છે બાદમાં એ તમામ સંસ્કૃત મેટરનું ટાઇપીંગ થાય છે.
(ગુજરાત સમાચારમાંથી સાભાર)